અમદાવાદઃ શાળા શરૂ કરવાની અને પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન બાબતે ગઈકાલે શિક્ષણમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. રાજયમાં શાળા શરૂ કરવા બાબતે રાજય સરકારની હાલ કોઈ વિચારણા ના હોવાની શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે.

રાજય સરકાર યોગ્ય સમયે શાળા શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. દિવાળી બાદ 23 નવેમ્બરથી રાજય સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેસમાં વધારો થતા આ નિર્ણય મોકુફ રખાયો હતો. પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન અંગે પણ હાલ કોઈ નિર્ણય લેવાયો ના હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળાઓ શરૂ નહીં થાય તેવી શક્યતા છે. નવા સત્રથી જ શાળા શરૂ કરવાનું સરકારનું આયોજન હોવાનું સૂત્રોનું માનવું છે.

એવી શક્યતાઓ છે કે એપ્રિલ માસ સુધી શાળા શરૂ કરી શકાશે નહીં. બોર્ડ પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થઇ શકે છે. ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવા બાબતે સરકારની વિચારણા કરી રહી છે. આગામી સમયમાં 9થી 12ની પરીક્ષાને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. શાળાઓ શરૂ થાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી સ્થિતિ છે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન માટે વાલીઓ માંગ કરી રહ્યા છે.