ગોધરા: પંચમહાલનાં શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી ઉપર અજાણ્યાં શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની જાણ થતા કૉગ્રેસના ટોચના નેતાઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. શહેરાના રેફરલ હોસ્પિટલ પાસે કેટલાક અજાણ્યાં શખ્સોએ શહેરા તાલુકા પંચાત કૉગ્રેસનાં વિરોધ પક્ષનાં નેતા જેબી સોલંકી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
સ્કોર્પિયો કારમાં આવેલા 7 જેટલાં અજાણ્યા શખ્સોએ લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હતો એ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. હુમલામાં જેબી સોલંકીનાં પગ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઈને જેબી સોલંકીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જો કે આ હુમલો શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્રારા કરાવવામા આવ્યો હોવાના આક્ષેપ જેબી સોલંકી દ્રારા લગાવવામાં આવ્યો છે. આ તરફ ગોધરા ખાતે કૉંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં સમીક્ષા સંવાદ સંકલ્પ અને માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં કૉંગ્રસના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી, ઉષા નાયડુ, શૈલેષ પરમાર હાજર રહ્યાં હતા. આ હુમલાની જાણ થતાં તમામ નેતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યાં હતા.
કૉંગ્રેસ નેતા પર થયેલા હુમલાને લઈ પ્રતિક્રિયા આપતા ભરત સિહ સોલંકીએ ધારાસભ્ય જેઠા ભરવાડ સામે ગંભીર આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય જેઠા ભરવાડે લોકશાહીનું ખૂન કર્યુ છે અને તેમના દ્વારા ગુંડાગર્દી કરવામાં આવે છે તેવા આક્ષેપો તેમણે કર્યો હતા. આ તરફ બનાવને લઈ પોલીસ દ્વારા ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પોલીસે અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં ગરબાડા અલીરાજપુર હાઇવે પર ટ્રક ચાલકે રિક્ષાને મારી ટક્કર, છના ઘટનાસ્થળે જ મોત
દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઈવે પર પાટીયાઝોલ ગામના તળાવ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભીષણ હતો કે છ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા તો એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.