Israel Gaza Conflict Latest Video: અત્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, છેલ્લા ત્રણ દિવસથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના ચરમપંથીઓ હમાસ વચ્ચે જબરદસ્ત રીતે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. ખાસ વાત છે કે, 7 ઓક્ટોબરના હમાસના હુમલામાં ઇઝરાયેલી નાગરિકોની સાથે સાથે વિદેશના કેટલાય નાગરિકો ફંસાઇ ગયા હતા, આમાં ભારતીયો અને ગુજરાતીઓ પણ સામેલ હતા, હવે આ બધાની વચ્ચે એક ગુજરાતી યુવતીએ એક વીડિયો શેર કરીને ઇઝરાયેલની તાજા સ્થિતિનું વર્ણન કર્યુ છે. 




હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, ગુજરાતી મહિલા ઇઝરાયેલમાં છે અને ત્યાંની તાજા સ્થિતિનું વર્ણન કરી રહી છે. આ વીડિયોમાં પોરબંદરના બગવદરના રહેવાસી અને હાલમાં ઈઝરાયલમાં સ્થાયી થયેલા રમાબેન પંડાવદરા છે, તેઓએ આ યુદ્ધની સ્થિતિ અંગેનો વીડિયો બનાવ્યો છે. રમાબેન પંડાવદરા છેલ્લા ચાર વર્ષથી ઈઝરાયલમાં સ્થાયી થયા છે. રમાબેન અત્યારે સુરક્ષિત છે અને તેઓ અત્યારે જે વિસ્તારમાં રહે છે, ત્યાં જનજીવન પણ સામાન્ય છે, તેઓ કહી રહ્યાં છે કે, ઇઝરાયેલમાં સ્થિતિ સામાન્ય છે એટલું જ નહીં અહીં તમામ દુકાનો રાબેતા મુજબ ખુલ્લી છે. આ વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે, યુદ્ધની અસર ઇઝરાયેલના લોકો પણ હજુ નહીવત છે. 



ઇઝરાયલ- પેલેસ્ટાઇન યુદ્ધની સુરતના હીરા બજાર પર માઠી અસર


ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન યુદ્ધની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડી રહી છે. આ યુદ્ધની અસર સુરતના હીરા બજાર પર પડી હતી. ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધના કારણે સુરતમાં હીરા બજારમાં 10 હજાર કરોડનો વેપાર ઠપ થયો હતો. હીરા બજારની સ્થિતિ હજુ પણ બગડે તેવી શક્યતા છે. ઈઝરાઈલ સાથે સુરત હીરા બજારમાં સીધું સંકળાયેલ છે.સુરતના હીરા બજારમાં મંદીના કારણે શનિવાર અને રવિવારે રજા આપવામાં આવી રહી છે. દિવાળીમાં હીરા બજારની સ્થિતિ હજુ પણ બગડે તેવી શક્યતા છે. અગાઉ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સુરતના હીરા બજાર પર માઠી અસર થઇ હતી. નોંધનીય છે કે ઈઝરાયેલમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. વેપારની આયાત-નિકાસ પણ ખૂબ વધી રહી છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે વેપાર અગાઉ 5 બિલિયન ડૉલર હતો, જે વધીને 7.5 બિલિયન ડૉલર થઈ ગયો છે.                                 


ભારતથી ઇઝરાયેલમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, ઓટોમોટિવ ડીઝલ, રાસાયણિક અને ખનિજ ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ અને એપેરલ ઉત્પાદનો, બેઝ મેટલ્સ અને પરિવહન સાધનો, કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલથી ભારતમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, રાસાયણિક અને ખનિજ/ખાતર ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પેટ્રોલિયમ તેલ, સંરક્ષણ, મશીનરી અને પરિવહન સાધનોનો સમાવેશ થાય છે.


નોંધનીય છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 1300થી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલમાં 700 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ગાઝામાં ઓછામાં ઓછા 560 લોકોના મોત થયા છે.  ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ દ્વારા કરાયેલા હુમલા અને ઇઝરાયેલના નાગરિકોને બંધક બનાવવા અંગે ભાષણ આપ્યું હતું. તેમણે ભાષણ દરમિયાન શપથ લીધા કે તેઓ હમાસ પાસેથી બાળકો અને અન્ય લોકોના મોતનો બદલો લેશે