નડિયાદઃ આણંદ જિલ્લાના પેટલાદમાં હનીટ્રેપની ઘટના સામે આવી છે. નડિયાદના ડોક્ટરને દર્દીને તપાસવાના બહાને ઘરે બોલાવી યુવતીએ ફસાવ્યા હતા. દર્દીને તપાસવા માટે ડોક્ટર ઘરે આવતાં જ કાવતરા પ્રમાણે ત્રણ પુરુષો પોલીસના સ્વાંગમાં આવી પહોંચ્યા હતા અને ડોક્ટરને ધમકાવ્યા હતા.

ડોક્ટરે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, ગત 29મી સપ્ટેમ્બરે પ્રફુલ્લા નામની મહિલાએ પેટલાદ બાજુના એક દર્દી પથારીવશ હોય અને ચાલી શકે તેમ ન હોય, ઘરે આવીને તપાસી જવા માટે ફોન પર જણાવ્યું હતું. આથી તેઓ બપોરના સમયે ફોન કરીને આ મહિલાને મળ્યા હતા. તેમની સાથે એક યુવતી પણ હતી. જેમને લઈ તેઓ દંતાલી ગામ પાસેના એક ઘરમાં લઈ ગયા હતા. જોકે, ઘરમાં કોઈ દેખાતું નહોતું. આ અંગે પૂછતા મહિલાએ થોડીવાર બેસો તેમ કહી પાણી આપ્યું હતું અને પછી પ્રફુલ્લાબેન બહાર જતા રહ્યા હતા.

આ પછી ડોક્ટર કંઈ સમજે તે પહેલા પ્રફુલ્લાબેન સાથે આવેલી યુવતીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને અચાનક કપડા કાઢી નાંખ્યા હતા. આથી ડોક્ટરે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો બહારથી બંધ હતો. દરમિયાન યુવતીએ બુમાબુમ શરી કરી દીધી હતી. થોડી જ વારમાં પાછલનો દરવાજો ખોલી ત્રણ શખ્સો અંદર આવી ગયા હતા તેમજ પોલીસની ઓળખ આપી ગંદા કામ કરવા આવો છો, તેમ કહી ધમકાવ્યા હતા.

એટલું જ નહીં, તેમણે બળાત્કારના ગુનામાં જેલ ભેગા કરી દેવાની ધમકી આપતાં ડોક્ટર ડરી ગયા હતા. તેમણે જવા દેવા આજીજી કરતા તેમણે બળજબરીથી ડોક્ટરના કપડા કઢાવ અને રૂમમાં હાજર યુવતી જેણે પહેલેથી કપડા કાઢી નાંખેલા હતા. તેની સાથે ફોટા પાડી લીધા હતા અને વીડિયો પણ ઉતારી લીધો હતો.

દરમિયાન પ્રફુલ્લાબેન પણ આવી પહોંચ્યા હતા અને ડોક્ટરને ફસાવી દેવાનું જણાવતા એક શખ્સે ડોક્ટરના વાળ પકડી લીધા હતા અને તેમજ મહિલાએ જણાવ્યું કે, ચાકુથી ગળું કાપી નાંખો. જેથી અન્ય એક શખ્સ રસોડામાંથી ચાકુ લઈ આવ્યો હતો અને ગળા ઉપર મૂકી દીધું હતું. આમ, પાંચેયે એક થઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ પેન્ટરના ખિસ્સામાંથી 6100 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ એક શખ્સે મોબાઇલ લીધો હતો. ડોક્ટરે ખુબ ખુબ આજીજી કરતાં તેમણે સમાધાન પેટે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, સવા લાખમાં સોદો પાક્કો થતાં તેમણે એક મિત્ર પાસેથી તેમને આ રૂપિયા અપાવ્યા હતા. આ પછી ડોક્ટરનો છૂટકારો થયો હતો. જોકે, આ અંગે કોઈને કહેશે તો ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આથી ડોક્ટર ઘરે જતા રહ્યા હતા અને આ અંગે કોઈને જાણ કરી નહોતી.

આ પછી ગત 17મી ઓક્ટોબરે ડોક્ટર પર ફોન આવ્યો હતો અને યુવતીના પતિના નામે ઓળખ આપી ફોન કાપી નાંખ્યો હતો. આ પછી પ્રફુલ્લાબેને ફોન કરી ફોટા અને વીડિયો તેમની પાસે હોવાનું જણાવવી સમાધાન પેટે 40 હજાર રૂપિયા માંગ્યા હતા. ન આપે તો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આથી કંટાળેલા ડોક્ટરે પેટલાદ પોલીસમાં ફરિયાદ કરી હતી.

તેમજ નડિયાદના ડોક્ટરને ફસાવી દેવાની ધમકી આપી 1.25 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ શખ્સો આટલી રકમ વસૂલ્યા પછી પણ અટક્યા નહોતા અને વધુ માંગણી કરી હતી. આથી ડોક્ટરે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પેટલાદ ટાઉન પોલીસે ગણતરીની કલાકોમાં જ હનીટ્રેપનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે 2 મહિલા અને 3 પુરુષોની અટકાયત કરી છે.