Banaskantha:  શક્તિપીઠ અંબાજી મંદિરની ઓળખ એવા મોહનથાળ પ્રસાદને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગઈકાલથીથી બંધ કરાયો છે. મોહનથાળના પ્રસાદની જગ્યાએ હવે માઈ ભક્તોને ચીકી મળશે પરંતુ પ્રસાદ બંધ કરવાની લઈને માઇ ભક્તોમાં આક્રોશ છે જ્યારે પ્રસાદ સાથે સંકળાયેલા શ્રમિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રનું માનવું છે કે અનેક ભક્તોની રજૂઆત હતી કે સૂકો પ્રસાદ અંબાજી મંદિરમાંથી મળે જેને લઇને ચીકીના પ્રસાદની શરૂઆત કરાઈ છે.


અંબાજીનો પ્રસાદ અને મા અંબા ભક્તોના હૃદયમાં એકબીજા સાથે સંકળાયેલા છે. મોહનથાળનો પ્રસાદ એટલે અંબાજી અને અંબાજી એટલે મોહનથાળનો પ્રસાદ. ગુજરાત ભરમાથી અને દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજી માં અંબાના દર્શને આવતા હોય છે અને અચૂક મોહનથાળનો પ્રસાદ લઈ જતા હોય છે પરંતુ આજથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જવાથી ભક્તોને નિરાશા મળી હતી અને સાથે સાથે આક્રોશ પણ હતો. છેલ્લા 40 અથવા 50 વર્ષથી આવતા માઈ ભક્તો ક્યારેય માં અંબાનો પ્રસાદ લેવાનું ચૂક્યા નથી અને આજે આ પ્રસાદ ન મળતા નિરાશા વ્યાપી હતી. ભક્તોનો આક્રોશ છે કે અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ બંધ કરી અને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવે.


છેલ્લા કેટલાય વર્ષોથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બને છે અને તેની સાથે અનેક શ્રમિકો પણ જોડાયેલા છે. જોકે આ શ્રમિકો પ્રસાદ બનાવવાના કામમાં વર્ષોથી જોડાયેલા છે અને જેને લઈને તેમનું ગુજરાન પણ ચાલતું હતું. આજે આ પ્રસાદ બંધ થઈ જવાથી શ્રમિકો પણ બેકાર થયા છે અને તેમની રોજી રોટી પણ છીનવાઈ ગઈ છે.


અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનું માનવું છે કે માં અંબાના ભક્તો ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેલાયેલા છે અને તેઓ માં અંબા ના દર્શન કરવા આવે છે એટલે આ માઈ ભક્તો પ્રસાદ લઈ શકે અને આ પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકે તે હેતુથી ચીકીનો સુકો પ્રસાદ અંબાજી મંદિરમાં આપવાની શરૂઆત કરાઈ છે. ચીકીનો પ્રસાદ બે અથવા ત્રણ માસ સુધી બગડતો નથી અને જેને કારણે કોઈ ભક્તને ઓનલાઇન પણ પ્રસાદ મંગાવું હોય તો મંગાવી શકે છે ત્યારે સોમનાથ, તિરૂપતિ જેવા મંદિરોમાં પણ સૂકા પ્રસાદનું ચલણ છે અને તેની માંગને કારણે જ આ નિર્ણય કરાયો છે.


 






તો બીજી તરફ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બદલવા મામલે પ્રદેશ ભાજપ મીડિયા કન્વિનર ડૉ  યજ્ઞેશ દવેએ ટવીટ કર્યું છે. તેમણે લખ્યું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ જ ચાલુ રહેવો જોઈએ. ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ. જો કે તેમણે પોતાની આ લાગણીને અંગત ગણાવી છે. એક બ્રાહ્મણ તરીકેની અંગત લાગણી છે તેવું યજ્ઞેશ દવેએ કહ્યું છે.