સુરત: દુષ્કર્મ કરનાર નરાધમો સામે કોર્ટ દ્વારા આકરા પાણીએ સજા આપવામાં આવી રહી છે. વધુ એક બે વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાનો હુકમ કર્યો છે. ગત નવેમ્બરમાં વિષુવ વિસ્તારમાં રોડ પર સૂતેલા શ્રમિક પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રક ચાલકે દુષ્કર્મ કર્યું હતું. જેમાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ધરપકડ કરી એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી દેવાતા કોર્ટ દ્વારા વધુ એક બળાત્કારીને આજે સજા ફટકારી છે.
નાની બાળકીઓ ઉપર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટ એક પછી એક દાખલા રૂપ સજાવો તમામને ફટકાવી રહી છે. હજુ ગયા અઠવાડિયે જ કતારગામમાં સાડા છ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટે નરાધમને ફાંસીની સજા સંભળાવી હતી ત્યારે આજે કોર્ટ દ્વારા વધુ એક નરાધમની સામે સજા ફટકારી. સુરદીપ બાલકિશન નામના નરાધમને કોટે આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે જે રીતે બળાત્કારીઓને એક પછી એક સુરત કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી રહી છે તેને લઈ બળાત્કારીઓ સામે કોર્ટ દ્વારા શકંજો કસવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
નરાધમ સુરદીપ બાલકિશન બાળકીનું રસ્તા પરથી અપહરણ કરી લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેની બાજુમાં સૂઈ રહેલી તેની મોટી બહેનની ઊંઘ ઉડી ગઈ હતી. તેણે તેની નાની બહેનને કોઈ ઉપાડી જતા જોઈ બૂમાબૂમ કરી દીધી હતી અને માતાપિતાને જગાડી દીધાં હતાં. મજૂર-શ્રમિક દંપતીએ પોતાની માસૂમ બાળકીને બચાવવા રોડ પર દોડાદોડી કરી હતી. માસૂમ દીકરીને ઉપાડી લઈ જનાર નરાધમ સુરદીપ બાલકિશનનો દોડીને પીછો પણ કર્યો હતો, પરંતુ તેની સુધી પહોંચાયએ પહેલાં જ નરાધમ બાળકીને લઈને ભાગી ગયો હતો. માસૂમ બાળકીનું અપહરણ થઈ જતાં પરિવાર બેબાકળો બની ગયો હતો અને મોડી રાત્રિએ મદદની આશ માટે અટવાઈ રહ્યું હતું.
આ દરમિયાન વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી PCR વાન ત્યાંથી પસાર થઈ હતી. PCRમાં પેટ્રોલિંગ કરતાં મહિલા હેડ કોન્સ્ટેબલે શ્રમિક પરિવારને સાંભળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક તેમણે કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. મહિલા પોલીસ-કોન્સ્ટેબલ અને પોલીસ કંટ્રોલરૂમની સતર્કતાને લઇ પોલીસ અપહરણ કરાયેલી બાળકી સુધી પહોંચી ગઈ હતી અને ડમ્પર મૂકીને ઘટના સ્થળેથી ભાગી છુટેલ નરાધમ સુરદીપ બાલકિશનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.