DELHI : ભરૂચના દહેજમાં ગઈકાલે 10 એપ્રિલે ઘટેલી મોટી આગ દુર્ઘટનામાં  ભોગ બનેલા કામદારો માટે પ્રધાનમંત્રી રાહતકોષમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા કામદારો માટે  પ્રધાનમંત્રી રાહતકોષમાંથી સહાય આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય - PMO દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે આગની આ ઘટનામાં ભોગ બનનાર મૃત્યુ પામેલા કામદારોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલ થયેલા કામદારોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. 






આગની દુર્ઘટનામાં 6 કામદારોના મોત 
ગઈકાલે 10 એપ્રિલે ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર  દહેજ ફેઝ-3માં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં ડિસ્ટીલેશન સ્પેન્ટ સોલ્વન્ટ રીકવર કરતા એમાંયે  પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં  6 કામદારો આગમાં બળીને મૃત્યુ પામ્યાં હતા. મૃતક 6 લોકોની વિગત આ મુજબ છે : 


1) તીરથ કુંડનલાલ ગડારી - મધ્યપ્રદેશ
2) જયદીપ પ્રભુદાસ ભામરોલીયા- જૂનાગઢ
3) રતન કુશવા - પ્રયાગરાજ
4)પુનિત મોતી મહંતો - ઝારખંડ
5) પારસનાથ રામ યાદવ - લખનૌ
6) રામુ મંગળદાસ -  સાગબારા, ગુજરાત 


વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
દહેજમાં બનેલી આગની દુર્ઘટનામાં થયેલી જાનહાની અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાન કાર્યાલય તરફથી આ ઘટનામાં ઘાયલ થયેલા કામદારોને  અને મૃત્યુ પામેલા કામદારોના પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે.