ગીર સોમનાથ: ગીર પંથકમાં ભારતીય કિસાન સંઘ દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે. કેસર કેરીના પાકના વળતર મુદ્દે ૨૬મીએ તાલાલાના ૪૫ ગામ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. તાલાલા શહેર અને તાલુકાના ૪૫ ગામોના ખેડૂતો ૨૬મીએ સજ્જડ બંધ પાળશે. ભારતીય કિસાન સંઘના નેજા તળે ખેડૂતો માર્કેટ યાર્ડથી રેલી સ્વરુપે મામલતદાર કચેરીએ જઇ આવેદનપત્ર આપશે. જેમને ૧૯ વેપારી મંડળનું સમર્થન હોવાની વાત સામે આવી છે.


બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. કિસાન સંઘની આગેવાની હેઠળ હવે ખેડૂતો આક્રમક લડતનો માર્ગ અપનાવશે. કેસરનો પાક નિષ્ફળ જતાં તાલાલા પંથકના વેપાર-ધંધાને પણ માઠી અસર થઈ છે. ગત વર્ષ તૌકતે આ વખતે ગ્લોબલ વોર્મિંગથી ભારે નુકશાન થયું છે. છેલ્લા ઘણાં વર્ષોથી કેસર કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ વર્ષે તો માત્ર 20 ટકા જ કેસર કેરી પાકશે અને 80 ટકા પાક નિષ્ફળ જશે. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન જશે.


કપાસનો ભાવ ન મળતાં ખેડૂતો ગુસ્સો સાતમાં આસમાને


છોટાઉદેપુર: કપાસનો ભાવ ન મળતાં ખેડૂતો ગુસ્સો સાતમાં આસમાને છે. ગઈકાલે 12 હજારના આજે 9 હજાર ભાવ અપાતા ખેડૂતો રોષે ભરાયા છે. નસવાડીના કલેડીયા ખાતે કપાસના 500 જેટલા વાહનોની કતારો લાગી છે. ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા ધારાસભ્ય અભિસિંહ તડવીએ મધ્યસ્થી બની મામલો થાળે પાડ્યો હતો.


સૌરાષ્ટ્રના સહેલાણીઓ માટે ખુશીના સમાચાર, આ ઝુ માં સફેદ વાઘણે બે વાઘ બાળને જન્મ આપ્યો
રાજકોટ: સૌરાષ્ટ્રના સહેલાણીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માં સફેદ વાઘણે બે વાઘ બાળને જન્મ આપ્યો છે. તા.18 મેના રોજ વહેલી સવારના સમયે બે વાઘ બાળ જન્‍મ થયો હતો. માતા ગાયત્રી દ્વારા બચ્‍ચાઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. નવા વાઘ બાળના આગમનથી પ્રદ્યુમન પાર્ક ઝુમાં હાજર બધા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.