મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી કરાશે. તેમજ ફાયર સર્વિસને વધુ સુદ્ધઢ બનાવવા માટે ચાર ઝોનમાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. ફાયર સર્વિસના નવા નિયમોનો 26મી જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે.
ફાયર સેફ્ટી એનઓસી રિન્યુઅલ અને ઓનલાઈન પેમેન્ટ માટે એક ઓનલાઈન પોર્ટલ વિકસાવવાનો નિર્ણય કરાયો છે. રાજયમાં ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખાનગી ઈજનેરોને રોજગારીની તક આપવામા આવશે. ફાયર સેફ્ટીની જરુરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ઈમ્પેનલ્ડ કરી પ્રેકટિસ માટે મંજૂરી અપાશે. ફાયર સેફટી ઓફિસરોએ તેમના ગ્રેડ-કક્ષા મુજબ ફાયર ફાઇટીંગ સહિતની સઘન તાલીમ લઇ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયા બાદ જ ઇમ્પેનલ્ડ થઇ શકશે.
દર ૩ વર્ષે ફાયર સેફટી ઓફિસરે રિફ્રેસર કોર્ષ કરવો પડશે. બિલ્ડીંગની ડીઝાઈન-વિકાસ પરવાનગી સમયે ફાયર સેફ્ટી પ્લાન મંજૂર કરાવવાનો રહેશે. નવા બનેલા બિલ્ડીંગ્સ માટે NOC ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. રેગ્યુલરાઇઝેશન બિલ્ડીંગના કિસ્સામાં બે વર્ષની મૂદત માટે FIRE NOC માન્ય રહેશે.