અમદાવાદઃ સાબરકાંઠામાં કોરોનાના કેસ વધતા સ્થાનિકો જ સ્વયંભૂ બજારો બંધ રાખી સંક્રમણને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાનું સ્માર્ટ વિલેજ ગણાતુ પુંસરી ગામમાં પણ સપ્તાહ માટે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.

ગામમાં કોરોના સંક્રમણ વધતા પંચાયત અને સ્થાનિક દુકાનદારો, ગ્રામજનોએ ભેગા મળી સપ્તાહ માટે ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.ગામની તમામ દુકાનો સજ્જડ બંધ છે. લોકો પણ ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.

આ સાથે જ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાનો પ્રકોપ વધતા સ્વયંભું ગામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખંભાળિયાના સલાયા ગામના લોકોએ સપ્તાહમાં ગામ 2 વખત બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

સલાયામાં 10 જેટલા એસોસીએશના વેપારીઓએ રવિવાર અને સોમવારે સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. વેપારી મંડળની જાહેરાત બાદ દુકાનદારોએ પણ સ્વયંભૂ બંધમાં જોડાયા છે. મહત્વનું છે કે દ્વારકામાં રવિવારે 11 કેસ નોંધાયા હતા. જ્યારે કુલ કેસનો આંક 480 પર પહોંચ્યો છે. દ્વારકામાં અત્યાર સુધી 5 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.