ભાજપ (BJP)ના વધુ એક ધારાસભ્ય (MLA) કોરોના સંક્રમિત થયા છે. મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા (Rc Makwana) કોરોના (Coronavirus)થી સંક્રમિત થયા છે. આર. સી. મકવાણાને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાવતા ટેસ્ટ કરાવ્યો હતો. જેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ધારાસભ્ય પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને હોમ આઈસોલેટ થયા છે. ધારાસભ્યએ સંપર્કમાં આવનારા લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરી છે.


નોંધનીય છે કે, ગઈકાલે ભાજપના વધુ બે ધારાસભ્યોને કોરોના (Coronavirus)નો ચેપ લાગ્યો હતો. કચ્છમાં અબડાસાના ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા (Pradhyumansinh Jadeja)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તબિયત લથડતા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં કોરોના રીપોર્ટ કરાવ્યો હતો. આ સિવાય શુક્રવારે અમદાવાદમાં મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ (Suresh Patel) કોરોના સંક્રમિત થયા છે. લક્ષણ હળવા હોવાથી હાલ હોમ આઇસોલેશનમાં છે. 


ગુરુવારે 8 એપ્રિલે ગુજરાતમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasma) ઉપરાંત ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આ પછી પાટીદાર નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો 6 વર્ષનો પૌત્ર અને 90 વર્ષના માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ, તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 


ભૂપેદ્રસિંહ ચુડાસમા કોરોનાં પોઝીટીવ આવ્યા છે. કેબિનેટ મંત્રીને કોરોના થતાં તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. તબિયત સારી હોવાની વાત સામે આવી છે. મંત્રી ઉપરાંત વડોદરાના ભાજપ ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધારાસભ્ય મનીષાબેન વકીલે ફેસબુક પર પોસ્ટ કરી માહિતી આપી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તબિયત નાદુરસ્ત હતી. મનીષાબેન વકીલે (Manisha Vakil) સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મનીષાબેન વકીલ ઘરે ક્વોરોન્ટાઈન થયા છે. 


આ ઉપરાંત  ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. ધારાસભ્ય કુબેર ડિંડોર (Kuber Dindor) કોરોના સંક્રમિત થયા છે. કુબેર ડિંડોર સંતરામપુરના ધારાસભ્ય છે. આ અગાઉ પણ કેટલાય ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.