Aravalli:  અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં આક્રોશ વધ્યો હતો. ભાજપ કાર્યાલય બહાર વિરોધ કરતા બે બેઠકો રદ કરવામાં આવી હતી. અરવલ્લીમાં સંગઠન, યુવા મોરચાની બેઠક વિરોધના કારણે રદ્દ કરવામાં આવી હતી. ભીખાજી ઠાકોરના સમર્થકોના વિરોધને પગલે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને કાર્યાલયના પાછલા દરવાજેથી ભાગવું પડ્યું હતું.


છેલ્લા ત્રણ દિવસથી થઇ રહ્યો છે વિરોધ


ભીખાજીના સમર્થકોએ અરવલ્લી ભાજપના કાર્યાલય બહાર વિરોધ કર્યો હતો. ભાજપના ખેસ ઉતારીને શોભનાબેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સમર્થકો ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની માંગ પર અડગ રહ્યા હતા. અરવલ્લી જિલ્લા સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં જ વિરોધ કરાયો હતો. નોંધનીય છે કે છેલ્લા 3 દિવસથી અરવલ્લી, સાબરકાંઠામાં વિરોધ થઇ રહ્યો છે. ભીખાજી ઠાકોરની ટિકિટ કાપી શોભનાબેનને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.




ભીખાજી ઠાકોરના સમર્થકો શોભનાબેન આયાતી ઉમેદવાર હોવાનો આરોપ લગાવી રહ્યા છે. શોભનાબેનના પતિ મહેંદ્રસિંહ બારૈયા 2022માં ભાજપમાં જોડાયા હતા. મહેંદ્રસિંહ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. શોભના બેન પ્રાથમિક શાળાના શિક્ષિકા હતા. ભાજપ કાર્યાલય બહાર કાર્યકરોના ડરથી પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.


સાથે તેમની સાથે કરેલ અન્યાયને પગલે અરવલ્લી જીલ્લા સહિત અનેક ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ સાથે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ફરીથી જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી.  ઉંડવા અને મેઘરજમાં તેમના સમર્થનમાં રેલી કાઢી બેનર પ્રદર્શિત કર્યા હતા અને મેઘરજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.


ભીખાજી ઠાકોરના ટેકેદારો અને ભાજપના અગ્રણીઓએ આપેલ બંધને પગલે મેઘરજ સજ્જડ બંધ રહ્યું હતું.  ભીખાજી ઠાકોરના સમર્થનમાં વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા.  મેઘરજમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થયા હતા અને મોડાસા ખાતે આવેલ જીલ્લાના  કમલમ કાર્યાલયમાં રજૂઆત કરવાનું નક્કી કરતા મેઘરજ અને માલપુરના ટેકેદારો ટ્રક અને ટેમ્પા જેવા વાહનોમાં સવાર થઈને મોડાસા શહેરના મેઘરજ બાયપાસ રોડ પર આવેલ પેલેટ ચોકડી એકઠાં થયા પછી રેલી સ્વરૂપે અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે હજારોની સંખ્યામાં ટેકેદારો પહોંચી ભીખાજી ઠાકોરને પક્ષે કરેલ અન્યાયને ઠાકોર સમાજનો અન્યાય હોવાનું જણાવી નવા ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવાની માંગ કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.