અરવલ્લીઃ બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી મહિલા અને બાળકની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રેમ સબંધમાં પ્રેમીએ મિત્રની મદદગારીથી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓએ ટીવી સિરિયલથી પ્રેરાઈને હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.3.20 લાખ રોકડ સાથે હત્યામાં વપરાયેલા મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીસે રાજકોટથી બે હત્યારા ને ઝડપી લઈ વધુ તપાસ હાથ છે. 


પોલીસે આપેલી વિગતો પ્રમાણે, આ મહિલા સાથે જૂનાગઢના બીલખા તાલુકાના સુરેશભાઈ મેરને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા. મહિલા પ્રેમી સાથે રહેવા માંગતી હતી. આ બાબતે તકરાર થતી હોવાથી સુરેશે પોતાના મિત્ર સાથે મળીને દોઢ મહિના પહેલા પ્રેમિકાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. બનાવના ત્રણ દિવસ પહેલા સુરેશ જૂનાગઢથી નીકળ્યો હતો અને મિત્ર ગાંડુભાઈને રાજકોટથી સાથે લીધો હતો અને ત્યાંથી તેઓ સુરત ગયા હતા. અહીં પ્રેમિકા અને તેનો પુત્ર 3.20 લાખ રૂપિયા જેવી રકમ લઈને આવ્યા હતા. સુરેશે પહેલાથી જ તેની હત્યા કરવાનું નક્કી કર્યું હોવાથી પ્લાન પ્રમાણે તેમને લઈને ડાકોર સંબંધીને ત્યાં ગયા હતા. 


જોકે, અહીં હત્યાને અંજામ ન આપી શકાતા પ્રેમિકા અને તેના પુત્રને સાઠંબાના જંગલમાં લઈ આવ્યા હતા. તેમજ સોમવારે રાતે પ્રેમિકા અને તેના પુત્રની દોરડાથી ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. સુરેશની વધુ પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, સિરિયલો જોઇને આ રીતે હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા પછી તળાવની પાળે લાશો ફેંકી દીધી હતી. તેમજ 60 હજારની કિંમતના દાગીના અને મોબાઇલ લઈ લીધા હતા. તેમજ હત્યાને અંજામ આપીને રાજકોટ નાસી ગયા હતા. જોકે, પોલીસે તેમને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યા છે. 


અગાઉ માતા પુત્રની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાનો ખુલાસો થયો હતો. માતા પુત્ર તાપી જિલ્લાના ખેરવાણ ગામના હોવાનું બહાર આવ્યું હતું. માતા જમનાબેન ગામીત અને ૧૨ વર્ષીય પુત્ર આલોક ગામીતની પરિવારજનો દ્વારા ઓળખ કરવામાં આવી હતી. બંને મૃતદેહોને કોણ કેવી રીતે ફેંકી ગયું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની પાંચ ટિમો તપાસ કરી રહી હતી.


બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ હઠીપુરા ગામની સીમમાંથી મંગળવારે બપોરે હત્યા કરાયેલી મહિલા તથા બાળકનો મૃતદેહ મળી ચકચાર મચી હતી. બાળકના માથા અને ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. તો મહિલાના શરીરના ભાગે તેમજ આંખમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા. 


ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસ તથા પોલીસની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાએ સાડી પહેરેલી હતી અને બાળકે જીન્સ પેન્ટ તથા ટી-શર્ટ પહેરેલી લાશ મળી આવી હતી.