Chhota Udepur : દિલ્લીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેર સભા સંબોધી. કેજરીવાલે આદિવાસી સમાજને ગેરંટી આપી, તો મીડિયા સાથે વાત કરતા અશોક ગેહલોતના નિવેદન, દિલ્હીમાં વેંચાતા દારૂ અને જૂની પેંશન યોજના અંગે આપી પ્રતિક્રિયા.
આદિવાસી સમાજને કેજરીવાલે 5 ગેરેન્ટીની જાહેરાત કરી
બોડેલી ખાતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ યોજાયો. જેમાં વિશાળ જનમેદનીને સંબોધતા અરવિંદ કેજરીવાલે આદિવાસીઓ માટે ગેરેન્ટી જાહેર કરી. આદિવાસી સમાજ માટે બંધારણમાં જે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેવી કે 5મી અનુસૂચિ લાગુ કરશે, પેસા એકટને મજબૂત કરવામાં આવશે જેથી ગ્રામસભાની તાકાત વધશે તેમજ ગ્રામસભાને સુપ્રીમ બનાવમાં આવશે. અને ટ્રાઇબલ એડવાઝરી કમિટીના ચેરમેન તરીકે આદિવાસી સમાજના વ્યક્તિની નિમણૂક થશે. આ 5 ગેરેન્ટીની જાહેરાત કરી.
અશોક ગેહલોત તથા ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા
સભા બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે અશોક ગહેલોતના નિવેદન, નવી પેંશન યોજના, દિલ્હીમાં વેચાતાં દારૂના સવાલોના જવાબ આપ્યા. કેજરીવાલે અશોક ગેહલોતના નિવેદનને દુઃખદાયી ગણાવી રેપના આરોપીને ફાંસીની સજા થવી જોઈએ એવું જણાવ્યું.
જૂની પેશન યોજના બાબતે જવાબ આપતા કહ્યું કે નવી પેંશન યોજનાનો હું બિલકુલ વિરોધી છું તો ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને દિલ્હીમાં વેચાતાં દારૂ વિશે કેજરીવાલે ગુજરાત સરકાર ઉપર પ્રહારો કરી કહ્યું કે દિલ્હીમાં કોઈ ઝેરી દારૂ નથી મળતો, અહીં ઝેરી દારૂ મળે છે, નકલી દારૂ મળે છે, ગેરકાયદેસર દારૂ મળે છે, પ્રશાસનની મદદથી ચાલે છે.
વડોદરામાં કરી હતી પ્રેસ કોન્ફરન્સ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. તેમણે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે ગુજરાતના લોકો પાસેથી પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. ટ્રાઈબલ કમિટીના ચેરમેન આદિવાસી બનવા જોઈએ તેવી તેમણે વાત કરી હતી.
કેજરીવાલે કહ્યું કે અમે રાજનીતિ નહી કામ કરીએ છીએ. અમે જનતાના મુદ્દાઓ ઉઠાવીએ છીએ. ગુજરાતના લોકોનો હંમેશા પ્રેમ મળ્યો છે. અમે હંમેશા કામ પર જ મત માંગીએ છીએ. દિલ્હીમાં અમે 12 લાખ યુવાઓને રોજગારી આપી છે.