Gujarat Rain Forecast:હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે, 9 સપ્ટેમ્બરના બપોર સુધીમાં તે 6 કલાકમાં 8થી 10 કિલોમીટર આગળ વધ્યું હતું. હાલ તે ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા નજીક છે. આ સિસ્ટમની અસરથી દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્રને સિવાય રાજ્યના તમામ ઝોનમાં આજે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી,નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. . આણંદ, વડોદરા, ખેડા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર પવન સાથે વરસાદનું અનુમાન છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ઝરમર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 122.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 128.98 ટકા વરસાદ વરસ્યો છે.
સિઝનનો કેટલો વરસાદ વરસ્યો?
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 124 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 117.92 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 105.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો થયા
રાજ્યના 207 પૈકીમાંથી 117 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 97 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના નવ નવ અને ઉત્તર ગુજરાતના બે જળાશયો ઓવરફ્લો થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 162 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 143 ડેમ હાઈએલર્ટ પર તો , 80થી 90 ટકા ભરાયેલા 12 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા સાત જળાશયો વોર્નિંગ પર છે.