ગીર સોમનાથઃ ગુજરાતમાં ચોમસાના આગમન પહેલાં જ વરસાદ શરૂ થતાં નદીઓમાં નવાં નીર આવતાં નદીઓ છલકાઈ રહી છે ત્યારે બીજી તરફ વરવાં દૃશ્યો પણ સર્જાઈ રહ્યાં છે. આવા જ એક દૃશ્યમાં તાલાલા ગીરની હિરણ નદીમાં વરસાદના કારણે આવેલાં નવા નીર ફીણ ફીણ સાથે આવતાં આખી નદી પર ફીણની ચાદર છવાઈ ગઈ હતી. તેના કારણે લોકોને અચરજ થયું હતું પણ પછી ખુલાસો થયો કે તાલાલા ગીરની હિરણ નદી પ્રદૂષિત થઈ હોવાથી આ ફીણની ચાદર છવાઈ ગઈ છે.


હિરણ નદીમાં શહેરનું કેમિકલ યુક્ત ગટ નું ગંદુ પાણી છોડાઈ રહ્યું છે અને તેના કારણે આ સ્થિતી સર્જાઈ છે. આ ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે પ્રથમ વરસાદમાં જ ચેકડેમ પર કેમિકલયુક્ત પાણીના ફીણની ચાદર છવાઈ ગઈ હતી.લોકો આ દ્રશ્યો જોઈ દંગ થઈ ગયા હતા.



આ સ્થિતી માટે નગરપાલિકા જવાબદાર છે કે જે પ્રદૂષણે રોકી નથી શકતી. પાલિકાનો સુએઝ પ્લાન્ટ હજુ કાગળ પર જ છે. હિરણ નદીનું પાણી સાવજો, વન્ય પ્રાણીઓ, સિંચાઈ, તેમજ ત્રણ તાલુકામાં પીવા માટે અપાય છે. આ ઉપરાંત પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ હિરણ નદીનું જ પાણી અભિષેકમાં વપરાય છે ત્યારે તંત્રની ઘોર બેદરકારી બહાર આવતાં લોકોમાં આક્રોશ છે. આ આક્રોશના પગલે સિંચાઈ વિભાગ દ્વારા પાણીના નમૂના લેબ પરીક્ષણ માટે મોકલાશે અને જરૂર જણાશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત કરાઈ છે.