અમદાવાદમાં શહેરમાં પણ 1 કલાકના ગાળામાં એક ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધૂળની જોરદાર ડમરી પણ ઊડી હતી. સૌથી વધુ સવા ઈંચ વરસાદ સરખેજમાં નોંધાયો હતો. કોતરપુર તેમજ રાણીપમાં લગભગ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ શહેરમાં રાત્રે 10 પછી તોફાની પવન બાદ વરસાદી ઝાપટું શરૂ થયું હતું. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે પડેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળી હતી. ગાંધીનગર અને નડિયાદમાં પણ રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ વડોદરામાં પણ રાત્રે ધોધમાર વરસાદ પડતાં લોકોને રાહત થઈ હતી. ભારે પવન અને વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વૃક્ષો અને હોર્ડિંગ પડ્યાની ઘટનાઓ પણ બની હતી. વડોદરાના છાણી, ટીપી 13, ગોરવા, સમાં, ઉન્ડેરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે છાણી, ટીપી 13 માં વીજ પુરવઠો ખોરવાયો હતો. ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.