જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને દારૂબંધીને લઈને પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો દારૂ મળ્યો તો વિજય રૂપાણીએ રાજનીતિ છોડી દેવી પડશે.


આ પહેલા 5 ઑક્ટોબરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જયપુરમાં સવાઈ માનસિંહ હૉસ્પિટલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, દારૂબંધીથી કોઈ ફાયદો નથી થતો. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ઘરે-ઘરે દારૂ પીવાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતાં કહ્યુ હતું કે, ગહલોત આવું નિવેદન આપીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે, તેમને માફી માંગવી જોઈએ.



સીએમ રૂપાણીએ વધુમાં કહ્યુ હતું કે, કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ હું માનું છું. રાજસ્થાનની જનતા ઇચ્છતી હતી કે ત્યાં દારૂબંધી થવી જોઇએ. પરંતુ નશામાં ચૂર એવી કૉંગ્રેસે આ વાત માનવાને બદલે ગુજરાતમાં ઘરે ઘરે લોકો દારૂ પી રહ્યાં છે તેવું બોલીને અપમાન કરવાની ચેષ્ટા કરી છે તેનાથી ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.

જોધપુરમાં અશોક ગહલોતે વિજય રૂપાણીની વાતોનો જવાબ આપી રહ્યા હતા. ગુજરાતના CM રૂપાણી જો સાબિત કરી દે કે ગુજરાતમાં દારૂ નથી મળતો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો ત્યાં દારૂ મળવાની વાત પુરવાર થઈ તો રૂપાણી પણ રાજકારણ છોડી દેવુ જોઈએ. ગહલોતે કહ્યુ કે, ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે પરંતુ કોઈને પણ પૂછી લો ત્યાં સરળતાથી દારૂ મળી જાય છે, આ વાત ગુજરાતના લોકો જાણે છે, તે વ્યક્તિ દારૂ પીતી હોય કે ન પીતી હોય.