ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ રાજીનામું આપ્યું છે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. તેમની સાથે અન્ય ત્રણ બોર્ડના અધ્યક્ષે પણ રાજીનામા આપ્યા છે. અસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને રાજીનામું આપ્યું છે. રાજ્યમાં પેપરલીકકાંડ બાદ સતત તેમના રાજીનામાની માંગ વિપક્ષ કરી રહ્યું હતું. 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અનેક પરીક્ષાઓના પેપર અસિત વોરાના કાર્યકાળ દરમિયાન ફૂટ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વિપક્ષના નેતાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.   ઉલ્લેખનીય છે કે  અત્યારસુધી ભારતીય જનતા પાર્ટી અને સરકાર અસિત વોરાનો બચાવ કરી રહ્યા હતા. રાજ્યના મંત્રીઓથી લઈ પક્ષના પ્રદેશ પ્રમુખ અસિત વોરા સામે કોઈ પુરાવા ના હોવાનું રટણ કરી રહ્યા હતા.


રાજ્યમાં પેપર લીક થયું હોવાની સરકારની સત્તાવાર  જાહેરાત બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ હતી. આ પરીક્ષા માર્ચ 2022માં લેવાઈ શકે છે. જેના માટે પેપર લીક જેવી કોઈ ઘટના ન બને તે માટે જડબેસલાક વ્યવસ્થા કરાઈ હોવાનો સરકારનો દાવો છે. 


પેપર લીક કૌભાંડનો ભાંડો ફોડનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ અસિત વોરાને તેના માટે જવાબદાર ઠેરવ્યા હતા. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા પણ આ મામલે સરકાર વિરુદ્ધ દેખાવો કરીને અસિત વોરાને હટાવવાની માંગ કરી હતી. આમ, વધતા દબાણ વચ્ચે આખરે અસિત વોરાને હટાવવાનો સરકારે નિર્ણય લીધો છે. અસિત વોરાના કાર્યકાળમાં પેપર ફુટવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ તેમના પર આ બાબતને લઈને ગંભીર આક્ષેપ થઈ ચૂક્યા છે. જોકે, અત્યારસુધી વોરા પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે.


રાજ્યમાં  ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં 88,000 ઉમેદવારો બેઠા હતા. જોકે આ પરીક્ષાનું લીક થયેલું પેપર 40થી વધુ ઉમેદવારોને 10-12 લાખ રુપિયામાં વેચાયું હોવાના આક્ષેપ થયા હતા, જેની તપાસ ચાલી રહી છે અને પોલીસે કેટલાક આરોપીની ધરપકડ કરીને તેમના રિમાન્ડ પણ મેળવ્યા છે. આ પેપર જ્યાં તેનું પ્રિન્ટિંગ થયું તે પ્રેસમાંથી જ લીકેજ હોવાનું અત્યારસુધીની તપાસમાં સામે આવ્યું છે.