Amreli News: અમરેલીમાં ગઇરાત્રે ભાજપ નેતા અને માછીમારો વચ્ચે ઘર્ષણની ઘટના ઘટી હતી, આ પછી સમાચાર સામે આવ્યા હતા કે, અમરેલીની રાજુલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ ઉપર જાફરાબાદમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ચેતન શિયાળને ગંભીર ઇજા પહોંચી હતી. ચેતન શિયાળને ભાવનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની વચ્ચે મારામારીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ચેતન શિયાળના હાથમાં પણ રિવૉલ્વર જોવા મળી રહી છે. હાલ ચેતન શિયાળના પિતાએ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ દરમિયાન પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે બે આરોપીઓ હજુ સુધી ફરાર છે. પોલીસ ચેતન શિયાળના હાથમાં રિવૉલ્વર હતી તેની પણ તપાસમાં લાગી છે, તે રિવૉલ્વર લાયસન્સ વાળી હતી કે કેમ. તે અંગે પણ ચર્ચાઓ થઇ રહી છે.
માહિતી મુજબ, ચંદ્રકાંત શિયાળ અને તેની સાથે અન્ય લોકો માછીમારી કરીને પરત ફરતા હતાં, તે દરમિયાન ચંદ્રકાંત અને અન્ય લોકો માછલી ખાલી કરવા જેટી પર જઈ રહ્યાં હતાં. ત્યારે યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડુ પડ્યું હતું. જેને હટાવવાના મુદ્દે બંને પક્ષ તરફથી બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ વધતાં ચંદ્રકાંતનો પુત્ર ચેતન શિયાળ પણ ત્યાં પહોંચ્યો. બાદમાં ઝઘડો વધતાં તે મારામારીમાં ફેરવાઇ ગયો હતો. આ દરમિયાન આરોપીઓએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી ચેન લૂંટી હોવાનો ચેતન શિયાળે આરોપ લગાવ્યો છે. ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીનો જમાઈ છે. આ બાબલ દરમિયાન ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હાલ ભાવનગર સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં અમરેલી ભાજપના નેતાઓ પણ હૉસ્પિટલ દોડી આવ્યા હતાં. આ વિશે ચેતન શિયાળે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, આ હુમલા દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈના હાથમાં પણ રિવૉલ્વર જોવા મળી રહી છે. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ પણ વાંચો
દાદાની સંપત્તિ પર પૌત્રનો કેટલો હોય છે હક? જાણો નિયમ