Ayodhya Ram Mandir, Banaskantha News: આગામી 22મી જાન્યુઆરીએ ગુજરાતમાં ઠેર ઠેર રામજીની સવારી નીકળવાની છે, ગામે ગામે રામ ભક્તોએ ખાસ આયોજન કર્યુ છે, પરંતુ આ બધાની વચ્ચે શક્તિપીઠ અંબાજીમાંથી પણ મોટા સમાચાર સામે આવ્યા છે, અંબાજીમાં પણ આ દિવસે રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. માહિતી છે કે, અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે અંબાજીમાંરામ દરબાર શોભાયાત્રા હર્ષોલ્લાસ સાથે નીકળશે, ભક્તો ઢોલ-નગારા અને લાડૂની વહેંચણી પણ કરશે. 


મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાં રામજી નગરયાત્રા કરશે, આગામી 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ પોતાના મહેલમાં 500 વર્ષ બાદ બિરાજમાન થશે, તે સમયે અંબાજીમાં પણ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. હાલમાં બનાસકાંઠાનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી રામમય બન્યુ છે. અયોધ્યામાં 22મીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અંબાજીમાં ભવ્ય રામ દરબારની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા રામભક્તો 22 હજાર લાડુંનું વિતરણ કરશે. આ યાત્રામાં ઢોલ, નગારા સાથે ઘોડા અને રથોનું પણ રીતે આયોજન કરવામાં આવ્યું છે. 


અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આ રાજ્યોમાં રજા


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ, ગોવા, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં રજા જાહેર કરવામાં આવી છે અને દારૂ અને માંસના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત આસામ, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન, ત્રિપુરા જેવા રાજ્યોમાં અડધો દિવસ રજા રહેશે. કેન્દ્ર સરકારે તેના હેઠળની કચેરીઓમાં પણ રજાની જાહેરાત પણ કરી છે. ચંદીગઢમાં પણ શુક્રવારે કેન્દ્ર શાસિત પ્રદેશની ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ રજાઓની માંગ છે.


22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાના ત્રણ દિવસ પહેલા શુક્રવારે રામ મંદિરમાં રલ્લાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાળા પથ્થરોથી બનેલી પ્રતિમાની આંખો પર પીળા રંગનું કપડું બાંધવામાં આવ્યું છે. પ્રતિમાને ગુલાબના ફૂલનો હાર પણ ચઢાવવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામલલાની પ્રતિમાની તસવીર બહાર પાડવામાં આવી હતી. રામલલાની પ્રતિમા સ્થાયી મુદ્રામાં છે. ગુરુવારે રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ રાખવામાં આવી હતી.


રામલલાની પ્રતિમા મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. તેની ઉંચાઈ 51 ઈંચ છે. ગુરુવારે રાત્રે રામલલાની મૂર્તિ મંદિરમાં લાવવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બપોરે 12:20 વાગ્યે શરૂ થશે અને 22 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. મંદિરમાં અભિષેક વિધિ પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ છે.