Tirgar Samaj Dhanusban: આવતીકાલે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવવા જઇ રહી છે, 22 જાન્યુઆરી ભારતીય ઇતિહાસમાં ઐતિહાસિક બની રહેવાનો છે, ત્યારે આ ઐતિહાસિક દિવસમાં ભાગીદાર થવા માટે ગુજરાતના તીરગર સમાજે પણ મોટુ યોગદાન આપ્યુ છે. હાલમાં જ ગુજરાતના તીરગર સમાજે ભગવાન શ્રીરામ માટે ધનુષબાણ મોકલાવ્યું છે, ઉલ્લેખનીય છે કે, ભગવાના શ્રીરામ તીરગર સમાજના આરાધ્ય દેવ છે.


મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી તીરગર સમાજ વસવાટ કરી રહ્યો છે, આ તીરગર સમાજે હવે પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ માટે ધનુષબાણ અયોધ્યા મોકલાવ્યુ છે. આવતીકાલે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ 500 વર્ષ બાદ બિરાજમાન થવાના છે, વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે, ત્યારે ગુજરાતના તીરગર સમાજે પોતાની આગવી ઓળખ સમા ધનુષબાણને અયોધ્યા મોકલાવીને ખાસ અપીલ પણ કરી છે. 




ખાસ વાત છે કે, ગુજરાતનો તીરગર સમાજ પ્રાચીન સમયથી ધનુષબાણનો વ્યવસાય કરી રહ્યો છે, અને ભગવાન શ્રીરામ તીરગર સમાજના આરાધ્ય દેવ છે, હવે તીરગર સમાજે પોતાના આરાધ્ય દેવ માટે અયોધ્યામાં ધનુષબાણ મોકલાવ્યુ છે, અને સાથે સાથે તીરગર સમાજ દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધનુષબાણ અર્પણ કરવા નમ્ર અપીલ પણ કરાઇ છે. પોતાના આરાધ્ય દેવના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તીરગર સમાજમાં અનેરો અને અતિ ઉત્સાહનો માહોલ છવાયો છે.


પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કયા રાજ્યોમાં રજા રહેશે?



  • ત્રિપુરા: ત્રિપુરામાં તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે.

  • છત્તીસગઢ: રાજ્યની તમામ સરકારી કચેરીઓ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. શાળા-કોલેજોમાં આખો દિવસ રજા રહેશે.

  • ઉત્તર પ્રદેશ: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તમામ શાળાઓ અને ઓફિસોમાં રજા જાહેર કરી છે.

  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં શાળાઓમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધો દિવસ રહેશે.

  • ગોવા: ગોવા સરકારે 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓ અને શાળાઓમાં રજા જાહેર કરી છે.

  • હરિયાણા: રાજ્યની સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધો દિવસ રહેશે, જ્યારે શાળા-કોલેજોમાં આખો દિવસ રજા રહેશે.

  • ઓડિશાઃ ઓડિશા સરકારની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ માટે હાફ ડેની જાહેરાત કરવામાં આવી છે.

  • આસામ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આસામ સરકારે સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાફ ડેની જાહેરાત કરી છે.

  • રાજસ્થાનઃ રાજસ્થાનમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે હાફ ડે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે.

  • ગુજરાતઃ ગુજરાત પણ તે રાજ્યોમાં સામેલ છે જ્યાં સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 2.30 વાગ્યા સુધી અડધો દિવસ રહેશે.

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશે નિર્ણય લીધો છે કે તેના હેઠળની તમામ સરકારી કચેરીઓમાં આખો દિવસ રજા રહેશે.

  • ઉત્તરાખંડ: ઉત્તરાખંડ સરકારે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાફ ડેની જાહેરાત કરી છે. સરકારી કચેરીઓ પણ અડધો દિવસ બંધ રહેશે.

  • મહારાષ્ટ્ર: રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મહારાષ્ટ્રમાં જાહેર રજા રહેશે. શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે.

  • પુડુચેરી: કેન્દ્રશાસિત પ્રદેશે પણ નિર્ણય લીધો છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પુડુચેરીમાં જાહેર રજા રહેશે.

  • દિલ્હીઃ દિલ્હી સરકારની તમામ ઓફિસોમાં અડધા દિવસની રજા રહેશે. દિલ્હીની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અડધો દિવસ રહેશે.