ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી બે દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસશે. આજે અમદાવાદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા તો આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, દાહોદ અને ડાંગમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર, કમોસમી વરસાદને લઈ ત્રણ દિવસ તો તાપમાનનો પારો સ્થિર રહેશે. પરંતુ ત્યારબાદ 10 માર્ચથી તાપમાનનો પારો 3 ડિગ્રી વધી શકે છે.


Gujarat Rain Update: શેત્રુજી અને આંબાજળ નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું, અમરેલીમાં આભમાંથી વરસ્યા કરા


Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટી નુકસાની ગઈ છે. કેરી,ચીકુ અને કપાસના પાકને મોટી નુકસાની ગઈ છે. અમરેલી અને જુનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢના આંબાજળ નદીમાં પૂર આવ્યું હતું. વિસાવદર પંથકમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મુંડીયારાવણી, વેકરીયા, રાજપરા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે.


તો બીજી તરફ  અમરેલી જિલ્લામાં વરસાદ આવતા નદીમાં પુર આવ્યું હતું. ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીના બોરડી ગામે શેત્રુજી નદીમાં પૂર આવ્યું હતું. તો ધારીના મીઠાપુર નક્કી ગામે પણ નદીમાં પૂર આવ્યું હતું. ધારીના મીઠાપુર, દલખાણીયા, કુબડા, ચાચઇ પાણીયા,ગીગાસણ, ગોવિંદપુર, ફાચરિયા, સરસિયા, જીરા, ખિસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 


કેરી, ચીકુના ખેડૂતો ચિંતામાં મુકાયા


હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો આજે સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકને ગરમીથી રાહત મળી છે.  તો બીજી તરફ કેરી, કપાસ અને ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 


આ ઉપરાંત હોળીના તહેવારના દિવસે ઠેક ઠેકાણે હોળીના દહનની તૈયારી ચાલુ હતી જે બાદ આયોજકો દ્વારા પ્લાસ્ટિકથી હોળીને ઢાકવાનો વારો આવ્યો છે. વીજળીના કડાકા થતા હોળી દહન માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


સુરત ઉપરાંત નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હળવા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે.