અમરેલી:  જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું બાઢડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને શિક્ષકોનો આરોપ છે કે ધોરણ છ માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી તોફાની હોવાને કારણે વાલીઓ અને શિક્ષકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે બાઢડા પે સેન્ટર શાળાએ મોટી સંખ્યામાં વાલીઓ સવારે આવી પહોંચ્યા હતા. શાળા ખુલતાની સાથે જ વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી.




વાલીઓ શાળાએ આવી અને તાળાબંધી કરી હતી


ધોરણ છ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શિક્ષકો સાથે ગેરવર્તન કરે છે અન્ય વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરે છે. છેલ્લા એક મહિનાથી આ પ્રકારની ફરિયાદ ઉઠી છે તે બાબતે વાલીઓએ અનેક રજૂઆતો કરી છે છતાં કોઈ નિરાકરણ નહીં આવતા રોષ સાથે વાલીઓ શાળાએ આવી અને તાળાબંધી કરી હતી. સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ શાળાએ દોડી આવી હતી.




અંતે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ અભ્યાસ માટે નહીં મોકલવા નિર્ણય લીધો


બાઢડા પે સેન્ટર શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી તોફાન કરતો હોવાની ફરિયાદ છેલ્લા એક મહિનાથી ઉઠી છે. તેને લઇ અને વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સુધી ફરિયાદો કરી છે પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા અંતે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ અભ્યાસ માટે નહીં મોકલવા નિર્ણય લીધો છે. જ્યાં સુધી તોફાની વિદ્યાર્થીને આ શાળામાંથી ટ્રાન્સફર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમના બાળકોને અભ્યાસ નહીં કરાવે અન્યથા બાળકોના એલસી લઇ બીજી શાળામાં અભ્યાસ કરવા મોકલી દેવા સુધીનો વાલીઓ નિર્ણય લીધો છે.


તોફાની વિદ્યાર્થી બાબતે શિક્ષણ વિભાગમાં શાળા દ્વારા રજૂઆત કરવામાં આવી


પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા ઇન્ચાર્જ આચાર્યએ જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરી રહેલ ધોરણ છ નો વિદ્યાર્થી તોફાની હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ સાથે માર કુટ કરે છે. શાળાની બિલ્ડીંગની અગાસી પર ગમે ત્યારે ચડી જાય છે. તોફાની વિદ્યાર્થી બાબતે શિક્ષણ વિભાગમાં શાળા દ્વારા રજૂઆત કરવામાં આવી છે છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. જેના કારણે બાળકોની સલામતી માટે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ નહિ મોકલવા માટે નિર્ણય લીધો છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial