Banaskantha : દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા બનાસકાંઠામાંથી વહેતી બનાસ નદી બે કાંઠે વહી રહી છે. નદીના આ પાણીમાં ન્હાવા પડતા બે દિવસમાં 6 યુવકોના ડૂબી ગયા છે. 6  યુવાનો ડૂબી જવાની ઘટનાથી બનાસકાંઠાનું પ્રશાસન સફાળું જાગ્યું છે અને હવે આ અંગે મોટો નિર્ણય લીધો છે. 


બનાસનદીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ 
બનાસકાંઠાના ડીસામાં મામલતદાર અને ડીસા તાલુકા વિકાસ અધિકારીએ બેઠક યોજી હતી. ગ્રામ્ય મામલતદાર કે.એચ તરાલ અને તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકી સહિત ડિઝાસ્ટરના અધિકારીઓએ ઓચિંતી બેઠક બોલાવી હતી. ડીસાના નદીકાંઠા વિસ્તારના ગામોના તલાટી અને સરપંચની બેઠક પણ બોલાવી હતી. 


આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર બનાસનદી બનાસકાંઠામાં જ્યાંથી પણ પસાર થાય છે, ત્યાં લોકોને નદીમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમામ ગ્રામ્યના વિસ્તારમાંથી વહેતી બનાસ નદીમાં ન જવા તંત્રએ અપીલ કરી છે. 


કલોલના વડસર ગામમાં 6 કરોડના ખર્ચે થશે તળાવનું નવીનીકરણ, અમિત શાહના હસ્તે કામનું ખાતમુહૂર્ત
ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂપિયા 6 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના કોઇપણ ગામના તળાવો એકબીજા સાથે લિંક છે. પૂર્વજોએ તળાવનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે, કોઇપણ ગામના તળાવનું પાણી ઉભરાય તો અન્ય ગામના તળાવમાં પાણી જાય. 


પરંતુ આઝાદી પછી કોઇએ આ તળાવના એકબીજાના જોડાણ કરતા માર્ગની સફાઇની ચિંતા કરી નથી. જેની ફળશ્રુતિ રૂપે તળાવો સુકાવા લાગ્યા, તળાવ નજીક કચરાના ઢગલા થવા લાગ્યાં, તળાવમાં ગંદકી થવા લાગી અને પાણીના તળ નીચે જવા લાગ્યા છે.


આજે લોકોને ફલોરાઇડવાળું પાણી પીવાના દિવસો આવ્યા છે. પરંતુ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા કેનાલની સુચારું વ્યવસ્થા ગોઠવી છે. રાજયમાં ધીમે ધીમે પાણીના તળ ઉંચા આવી રહ્યા છે.


તળાવનું નવીનીકરણનું કામ દેખાવમાં નાનું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આપણી આવનારી પેઢીઓ પાણીથી, પાણી દ્વારા અને પાણી થકી પોતાનું સ્વાસ્થ્ય સાચવી શકશે. ફલોરાઇડવાળું પાણી શરીરમાં ધીમા ઝેર જેવું છે. પાણીના તળ ઉંચા લાવવા તથા જમીનના પાણીમાં ફલોરાઇડની માત્રા ઘટાડવાના ઉમદા આશયથી ગાંધીનગરના આઠમા તળાવના નવીનકરણના કામનો આરંભ કરવામાં આવ્યો છે.