Panchmahal : પંચમહાલ જીલ્લાના હાલોલ પાવાગઢ  રોડ પર ઈકો કારને અકસ્માત નડતા કારમાં સવાર 5 વર્ષના બાળક સહિત 3 લોકોના ઘટના સ્થળે મોત થયા, જ્યારે બે લોકોને ઇજા થવા પામી છે.  ઇજાગ્રસ્તને સારવાર માટે વડોદરા ખસેડવામા આવ્યાં. અક્સ્માતની આ ઘટનાને લઈ અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાયા છે. 


લક્ઝરી બસને ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત 
અંકલેશ્વરથી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા આવેલ પરિવરને હાલોલ બાયપાસ રોડ પર અકસ્માત નડ્યો હતો. ઇકો કારના ચાલકે કારની આગળ ચાલતી લક્ઝરી બસને ઓવરટેક કરવા જતાં અચાનક જ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી.


કાર ડીવાઇડર સાથે અથડાતા ઇકો કારમાં સવાર એક 5 વર્ષના બાળક, 1 મહિલા સહીત કુલ 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જયારે કારમાં સવાર અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તો ને 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતાં.


કારચાલકનો બચાવ
બનાવને લઈને પોલીસને જાણ કરતા હાલોલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ત્રણે મૃતદેહ  કબ્જે લઈ પી એમ માટે મોકલી આપી પ્રથમ અકસ્માતે મોતનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો છે. અકસ્માતની ઘટનામાં 3 વ્યકતીઓના ઘટના સ્થળે જ કમકમાટભર્યા મોતને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.


અકસ્માત અંગે અનેક તર્ક-વિતર્ક 
અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓના માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જયારે માથાના ભાગે ઈજા પહોંચે તે મુજબનો કારને અકસ્માત થયો ન હોવાનું ઘટના સ્થળનાં દૃશ્યોને જોતા લાગી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવી શકે તેમ છે. 


અક્સ્માતની ઘટનામાં પોતાનાં પાંચ વર્ષના બાળક સાસુ અને મિત્રને ગુમાવનાર  ઇકો કારચાલક કમલ પ્રજાપતિના જણાવ્યા અનુસાર કારને લકઝરી ચાલકે ટક્કર મારતા કાર ડીવાઇડર સાથે અથડાઈ  હતી જેના કારણે ઈકો કારનું ટાયર ફાટી જતાં અક્સ્માતની ઘટના બનવા પામી હતી. 


જો કે નવાઈ પામવા બાબત એ છે કે ત્રણ લોકો એ ઘટના સ્થળે જીવ ગુમાવ્યા એવા ગોઝારા અક્સ્માત સર્જાવાના કારણે કારને કોઈ જ મોટું  નુકશાન થવા પામ્યું નથી, જ્યારે અક્સ્માતનું સતત રટણ કરી રહેલા કારચાલકનાં શરીરે નાની ઇજા પણ થવા પામી નથી.


હાલોલ પાવાગઢ માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જૉકે પોલીસની ઝીણવટભરી તપાસ અને પી એમ રિપોર્ટ આવ્યાં  બાદ જ અકસ્માતનું  સાચું કારણ સામે આવશે.