Banaskantha, Mid Day Meal Controversy: ગુજરાતમાં ફરી એકવાર મધ્યાહન ભોજન યોજના વિવાદમાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાનું ભોજન ખાધા કેટલાક બાળકોને આડ અસર થઇ હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા જિલ્લાની એક શાળામાં આ ઘટના ઘટતા હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશો અપાયા છે. 




મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી મધ્યાહન ભોજન યોજનાને લઇને વિવાદ ઉભો થયો છે, ખરેખરમાં, કેટલાક બાળકોને મધ્યાહન ભોજનનું ભોજન જમ્યા બાદ આડ અસર થઇ જેના કારણે શાળાના બાળકોની જીભ કાળી પડી ગઇ હતી. જિલ્લાના ધાનેરા તાલુકાની નાની ડુગડોલ પ્રાથમિક શાળાના બાળકોએ મધ્યાહન ભોજનનું ભોજન આરોગ્યુ હતુ, જોકે, બાદમાં તમામ બાળકોની જીભ પર આની આડઅસર જોવા મળી હતી, બાળકોની જીભ કાળી પડી ગઇ હોવાથી દોડદામ મચી ગઇ હતી. બપોરેના સમયે શાળામાં બાળકોએ મધ્યાહન ભોજનમાં ખીચડી જમી હતી, તે પછી બાળકોની જીભ અચાનક કાળી પડી ગઇ હતી. આડઅસરને જોતા જ તંત્રમાં દોડધામ મચી હતી, અને બાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ અને તપાસના આદેશો આપ્યા હતા. જોકે, જીભ કાળી પડવા પાછળ સામાન્ય લક્ષણો જણાયા હોવાથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. 


ધાનેરામાં બાળકોના મધ્યાહન ભોજનમાં કાંકરીયો અને માટી આવતા હોબાળો, વાલીઓ રોષે ભરાયા


ગુજરાતમાં ફરી એકવાર મધ્યાહન ભોજનનું ખાવાનું ખરાબ હોવાનું ભૂત ધૂણ્યુ છે. આજે બનાસકાંઠામાંથી મળી રહેલા સમાચારમાં મધ્યાહન ભોજનમાં ખાવાનાનો જથ્થો એકદમ હલકી કક્ષાનો આવતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો છે. આ ઘટના બનાસકાંઠાના ધાનેરાના મામાજી ગોળીયા ગામની પ્રાથમિક શાળામાં ઘટી છે. 




મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર મધ્યાહન ભોજનના ખાવાનાને લઇને વિવાદ શરૂ થયો છે. હાલમાં જ જિલ્લાની ધાનેરાની મામાજી ગોળીયા પ્રાથમિક શાળામાં બાળકોને ખરાબ મધ્યાહન ભોજનનું ખાવાનું અપાઇ હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં માટી અને કાંકરીઓ આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. આ ઘટના બાદ વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી, જેમાં ખાઈ ના શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા, આ પછી બાળકોના વાલીઓ વધુ ઉગ્ર બન્યા અને રોષે ભરાઇને લાલઘૂમ થયા હતા. શાળામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો પણ ખરાબ મળી આવ્યો હતો. આ ઘટના બાદ બાળકોના આરોગ્ય સાથે ચેડાં થયાના આક્ષેપો કરી રહ્યાં છે. માધ્યહન ભોજનમાં ખરાબ જથ્થાના લઇને વાલીઓએ મામલતદારને લેખિતમાં જાણ કરીને યોગ્ય પગલાં લેવા કરી રજૂઆત કરી છે.