Gujarat Beaches: માલદીવ્સ સાથે સોશિયલ મીડિયાની ટિપ્પણીઓને લઈને શરૂ થયેલા વિવાદે હવે રાજદ્વારી વળાંક લીધો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપના પ્રવાસે હતા અને તેમણે ત્યાંની કેટલીક આકર્ષક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પછી સોશિયલ મીડિયા પર માલદીવ્સ અને લક્ષદ્વીપ વચ્ચે સરખામણી થવા લાગી. આ દરમિયાન માલદીવ્સના કેટલાક નેતાઓએ ભારત અને પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.


વિવાદ અહીં જ ન અટક્યો, માલદીવ્સ સરકારે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા. બીજી તરફ સોમવારે ભારત સરકારે માલદીવ્સના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. આ વિવાદ વચ્ચે ઘણા ભારતીયોએ માલદીવ્સ જવાની તેમની યોજનાઓ રદ કરી દીધી છે. જેના કારણે માલદીવ્સની કરોડરજ્જુ ગણાતા પ્રવાસન બજારને મોટો ફટકો પડી શકે તેમ છે. માલદીવ્સ તેની પ્રાકૃતિક સૌંદર્યતા માટે જાણીતું છે, ગુજરાતમાં માલદીવ્સ જેવી પ્રાકૃતિક સૌંદર્યતાથી ભરેલા અનેક બીચ આવેલા છે.  જેમાં હાલ શિવરાજપુર બીચ અને માધવપુર બીચ મોખરે છે.




શિવરાજપુર બીચઃ  શિવરાજપુર બીચ દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામની નજીક આવેલો છે. આ બિચને ઓક્ટોબર 2020માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા 'બ્લુ ફ્લેગ બીચ' સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, ત્યારથી શિવરાજપુર બીચ ખુબ જ પ્રખ્યાત થઈ ગયો છે .બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ માનવામાં આવે છે, ત્યારે શિવરાજપુર બીચને પણ આ બ્લુ ફ્લેગ બીચનું સર્ટીફિકેટ મળેલુ છે. શિવરાજપુર બીચ પર તમને કુદરતના અદભુત સૌંદર્યનો નજારો જોવા મળશે. શિવરાજપુરના દરિયા કિનારે જશો, તો તમે ગોવાના બીચને પણ ભૂલી જશો, અહીંનું પાણી એકદમ સાફ અને સ્વચ્છ છે.. જેથી તમે દરિયાની પારદર્શકતા અહિંયાથી જોઈ શકશો. આ બીચ પર તમે પ્રીવેડિંગ શૂટ પર સરળતાથી કરાવી શકો છો. શિવરાજપુર બીચ પર ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, લોકર રૂમ, પાથ-વે, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક સહિતની અનેક સુવિધાઓ છે. આ દરિયાકિનારે વિવિધતા સભર દરિયાઈ જીવ સૃષ્ટિનો અનોખો સંગમ જોવા મળશે. અહિંયા તમે સ્કુબા ડાઈવિંગ પણ કરી શકો છો. આ બીચ પર નવા યુગલોથી લઈને સિનિયર સિટીઝન દરેકને મજા પડે તેમ છે. સરકાર દ્વારા શિવરાજપુર બીચને સંલગ્ન નવા ટુરિઝમ સ્પોટ - એક્વેરિયમ બનાવવામાં આવશે. એક્વેરિયમ બન્યા બાદ શિવરાજપુર બીચ ખાતે વિવિધ પ્રકારની મોજ માણવાની સાથે સહેલાણીઓ દરીયાઈ જીવસૃષ્ટિને ખુબ જ નજીકથી નિહાળી શકશે. જેના કારણે પણ સમગ્ર ક્ષેત્રના પ્રવાસનને ખૂબ જ વેગ મળશે.




માધવપુર બીચઃ પોરબંદરનો આ રમણીય બીચ એટલો સુંદર છે કે અત્રે હવે સિરિયલ, જાહેરાત અને ફીલ્મોનું પણ શૂટિંગ પણ થાય છે. માધવપુર ઘેડ મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલ જોવા મળે છે. આ ભુમિ ખાસતો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે. માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે.