Banaskantha:  બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. જિલ્લાના સીપુ ડેમમાં હાલમાં માત્ર પાણીનો 16 ટકા જથ્થો છે.  આ પાણીનો જથ્થો હવે માત્ર પીવા માટે જ આપવામાં આવશે. સીપુ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવશે નહીં. જેના કારણે બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને નુકસાનની શક્યતા છે. તો હાલમાં દાંતીવાડા ડેમમાંથી ત્રણ પિયત જેટલું પાણી આપવામાં આવે છે. જેનાથી 3 હજાર હેક્ટર વિસ્તારમાં આવેલા ખેડૂતોને ફાયદો થશે.


બનાસકાંઠાના મુખ્ય બે ડેમોમાં પીવાના પાણી માટે હાલ રિઝર્વ જથ્થો રાખવામાં આવ્યો છે. દાંતીવાડા અને સીપુ જળાશયમાં પીવાનો જથ્થો પ્રાપ્ત કરાશે. દાંતીવાડામાંથી માત્ર ત્રણ પિયત સિંચાઈ માટે પાણી આપવામાં આવશે અને સીપુ ડેમમાંથી પિયતનું પાણી નહીં છોડવામાં આવે જેથી સીપુ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે.

સીપુ ડેમમાં હાલ સ્ટોરેજ જથ્થો માત્ર 16 ટકા હોવાથી પીવા માટે જ ઉપયોગમાં લેવાશે. જોકે દાંતીવાડા ડેમમાંથી ત્રણ પિયત જેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો ડેમમાં કુલ જથ્થો 36.96 ટકા છે. પિયત માટે ત્રણ વખત ડેમમાંથી ખેડૂતો માટે પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆતમાં જ સીપુ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી મળશે નહીં. જેને કારણે બાજરી, જુવાર, મગફળી સહિતના પાકોને નુકસાન જવાની ખેડૂતોને ભીતી છે.                    

આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગરમીમાં પાંચ દિવસ સુધી કોઈ રાહત મળશે નહીં. સાથે જ આજના દિવસે બનાસકાંઠા, અમદાવાદ, આંણદ અને વડોદરામાં રાત્રે પણ ઉકળાટભર્યુ વાતાવરણ રહેશે. જ્યારે આવતીકાલથી તાપમાનમાં એકથી બે ડીગ્રી સુધીના વધારાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. એવામાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમી પડશે. આજે સૌથી વધુ અમરેલી 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.