Banaskantha News: ગાંધીનું ગુજરાત દારુબંધી વાળુ ગુજરાત છે, પરંતુ આ માત્ર કાગળ પર જ દેખાય છે. તાજેતરમાં જ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડેહાથે લીધી છે. જિલ્લામાં હાઇવે પર કેટલાક લોકોને દારૂની પરમીટ અને સ્ટેન્ડ મળ્યા છે, જેના વિરોધમાં હવે ગેનીબેને હૂંકાર કર્યો છે, અને કહ્યું છે કે, આગામી દિવસોમાં આ મુદ્દે મોટી ઝૂંબેશ કરવામાં આવશે. 


રાજયમાં ઠેર ઠેર દારૂની હાટડીઓ ખુલી રહી છે, અને આ મામલે રાજ્ય સરકાર કોઇ એક્શન ના લેતી હોવાનો ખુદ સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે બાંયો ચઢાવી છે. તેમને સરકાર અને તંત્ર ઉપર મોટો આરોપ લગાવ્યો છે. તેમને હાલમાં જ આરોપ લગાવતા કહ્યું છે કે, હાઇવે પર દારૂના 20 સ્ટેન્ડ અપાયા છે. એક પછી એક ખુલી રહેલા દારૂના સ્ટેન્ડ મુદ્દે ગેનીબેને હૂંકાર કરતાં કહ્યું છે કે, જેમને દારૂના સ્ટેન્ડ મળ્યા છે તે ચેતી જજો, કોઇને બરબાદ કરવાથી ભગવાન તમને રાજી નહીં રહેવા દે. તેમને વધુમાં ચિમકી આપતા કહ્યું કે, દારૂના સ્ટેન્ડ બાબતે આગામી દિવસોમાં ચેકપૉસ્ટ પર જઇને મોટી ઝૂંબેશ પણ ચલાવાશે. 


આ લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો, અને બનાસકાંઠામાં પહેલીવાર માહિલા સાંસદ મળ્યા. બનાસકાંઠામાં કૉંગ્રેસના ગેનીબેન ઠાકોરનો 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. જેનાથી ભાજપનો વિજયરથ અટકી ગયો અને ગુજરાતમાં ક્લિન સ્વિપનું સપનું પણ રોળાયું. ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 30,604 મતોથી પરાજિત કર્યા હતા.  


કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર ? 


ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.