એક સપ્તાહ બાદ બીજીવાર પાણીની માંગ સાથે આજે ફરીથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પાલનપુર, વડગામમ, દાંતીવાડા, ધાનેરા અને અમીરગઢ તાલુકાના ગામોમાં પાણીની ગંભીર સમસ્યા છે. જેને લઈને 5 હાજારથી વધુ ખેડૂતો મલાણા ગામના તળાવ પર ભેગા થઈને ટ્રેકટર રેલી યોજી રહ્યા છે. ખેડૂતોએ સૌપ્રથમ મલાણા તળાવ ઉપર થઈને ગંગા આરતી કરી હતી અને ટ્રેક્ટર રેલીની શરુઆત કરી હતી. પાલનપુર આબુ હાઇવેથી મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે કલેકટરને આવેદન પત્ર આપશે અને તળાવોમાં પાણી ભરવા તેમજ સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવા રજુઆત કરશે. એક સપ્તાહ બાદ બીજીવાર પાણી માટે ખેડૂતો રેલી કરી રહ્યા છે.
ખેડૂતોએ શું કહ્યુંઃ
વિશાળ ટ્રેક્ટર રેલી કરી રહેલા ખેડૂતોએ આ વિરોધ અંગે જણાવ્યું કે, "અમે મલાણા તળાવ પર હાલ ભેગા થયા છીએ અને આ તળાવ ભરવા માટે માંગ કરી રહ્યા છીએ. વર્ષો પહેલાં મલાણા તળાવ પાણીથી ભરાયેલુ રહેતું હતું અને આજુબાજુના ગામોને પાણી મળી રહેતું હતું. પણ છેલ્લા ઘણા વર્ષોથી ઓછા વરસાદથી હાલ તળાવ ખાલી છે. હાલ ખેડૂતોની મુખ્ય માંગ છે કે, નર્મદા ડેમ કે ધરોઈ ડેમથી મલાણા તળાવ ભરવામાં આવે." ખેડૂતો 5 કિમી રેલી કરીને પાલનપુર જિલ્લા કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને આવેદન પત્ર આપશે. વડગામ, અમીરગઢ, પાલનપુર તાલુકાના કુલ 50 જેટલા ગામોના ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે. વરસાદ ઓછો થવાના કારણે હાલ તળાવો ખાલી છે જેથી મલાણા તળાવ ભરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ પહેલાં પણ ખેડૂતોએ મૌન રેલી કરીને તંત્રને રજુઆત કરી હતી. આ રજુઆતથી કોઈ નિવેડો ના આવતાં હવે ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે.
ધારાસભ્યએ શું કહ્યુંઃ
ગેનીબેન ઠાકોરે આ ટ્રેક્ટર રેલી અંગે એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી કે, આ પહેલાં ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે કલેક્ટરને પાણી આપવા અંગે રજૂઆત કરી હતી. પરંતુ કોઈ ઉકેલ ના આવતાં હવે ખેડૂતો ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે. આ મલાણા તળાવ સિંચાઈના પાણી માટે ખેડૂતોને ઘણુ ઉપયોગી હતું પરંતુ હાલ તળાવ ખાલી હોવાથી તકલીફ પડી રહી છે. સરકારને અમારી માંગ છે કે, સરકાર નર્મદા કેનાલનું પાણી કે ધરોઈ ડેમનું પાણી મલાણા તળાવ સુધી પહોંચાડીને તળાવ ભરે અને ખેડૂતોની માંગ પુરી કરે.
ખેડૂતોના આ વિરોધ અંગે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે, "છેલ્લા 2 વર્ષોથી ખેડૂતોને સિંચાઈનું પાણી કે પીવાનું પાણી પુરતું નથી મળતું. ઘણી રજુઆતો છતાં સરકાર આ અંગે કોઈ પ્રતિસાદ નથી આપી રહી. મારા મતવિસ્તાર દાંતામાં ઘણા ડેમો હાલ ખાલી છે. સરકાર રાજકારણ ના રમે અને ખેડૂતોને પાણીની વ્યવસ્થા કરે"