કાંકરેજઃ બનાસકાંઠામાં 48 વર્ષીય પુરુષની હત્યાના કેસમાં થરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, હત્યા કરનાર પુત્ર હજુ ફરાર છે. ત્યારે પિતાની હત્યાના કેસમાં પકડાયેલી દીકરીએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો આપી છે. જે જાણીને તમે પિતા પર ફિટકાર વરસાવશો. 


પોલીસે પૂછપરછ કરતાં યુવતીએ ધડાકો કર્યો હતો કે, 'મારા પિતા મારું શારીરિક શોષણ કરતા હતા અને મારા ભાભીને પણ બદદાનતથી જોતા હતા. આ વાતની જાણ મારા ભાઈને થઈ જતા મારા ભાઈએ પિતાની હત્યા કરી હતી. નોંધનીય છે કે, પિતાની હત્યા પછી પુત્રના મિત્ર અને બહેને લાશને ઠેકાણે લગાડવામાં મદદ કરી હતી. આ હત્યા કેસમાં મદદગારી કરનાર મિત્ર અને મૃતકની દીકરીની પોલીસે ધરપકડ કરી છે. 


બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ખારીયામાં પાંચ દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ખુદ પુત્રએ જ પિતાની હત્યા કરી લાશને દફનાવી દીધી હતી. ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા મારી હત્યા કરાયાની વાત પોલીસ તપાસમાં ખુલી છે. ખારીયા ગામના 48 વર્ષીય પુરુષને નદીના પટમાં દાટેલી હાલતમાં ગઈ કાલે લાશ મળી હતી.


મૃતક દીકરાની પુત્રીઓને સારી રીતે ના રાખતા ના હોય અને શોષણ કરતા હોવાથી મર્ડર કર્યું હોવાનું ખુલ્યું હતું. પત્નીની ફરિયાદના આધારે થરા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, ખારિયા ગામના આધેડની 11મી ઓગસ્ટ ને બુધવારની મોડી સાંજે ખારિયા બનાસ નદીના પટમાં તીક્ષણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી હતી. 


મોડી સાંજે ખારિયા ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે નદીના પટમાં ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે હત્યા કરી જમીનમાં દફનાવી હત્યારા નાસી છૂટયા હતા. પોલીસે નદીમાંથી લાશનો કબ્જો મેળવી થરા રેફરલ ખાતે લાવી પીએમ કરાવી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.