Banaskantha News: રાજ્યમાં ઠેર ઠેર સરકારી શાખાઓ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. થોડાક દિવસો અગાઉ બનાસકાંઠા જિલ્લામાં પૂરવઠા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 35 લાખથી વધુનો ગેરકાયદે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, હવે આ કડીની આગળની લિન્ક સાબરકાંઠાના ઇડરમાંથી નીકળતા આજે અહીં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ઇડરમાં આજે ત્રણ પેઢીઓ પર બનાસકાંઠા જિલ્લા પૂરવઠા અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં લાખોનો મુદ્દામાલ ફરી એકવાર કબજે કરવામાં આવ્યો છે. 


મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ફૂડ એન્ડ સપ્લાય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ બનાસકાંઠાના દાંતામાં પૂરવઠા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા, જેમાં 35 લાખથી વધુનો ગેરકાયદે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, આ પછી આ ષડયંત્રના તાર હવે સાબરકાંઠાના ઇડરમાં અડતાં હોવાનું ખુલ્યુ હતુ. આ સમગ્ર મામલે હવે બનાસકાંઠા જિલ્લા પૂરવઠા અધિકારીઓએ આજે આ કાર્યવાહીમાં બનાસકાંઠા અને સાબરકાંઠા કલેકટરની સૂચનાને આધારે, આજે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીઓએ ગાંધીનગર પુરવઠા અધિકારીઓ સાથે મળીને ઇડર માર્કેટ યાર્ડની ત્રણ પેઢીઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન ઇડરમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 


કચ્છમાં ITનું 22થી વધુ સ્થળો પર મેગા સર્ચ ઓપરેશન, 200 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા


ગુજરાતના કચ્છમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી જાણકારી અનુસાર આઇટી વિભાગે કચ્છના ગાંધીધામમાં 22થી વધુ સ્થળોએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગાંધીધામની શ્રીરામ સોલ્ટ, કિરણ રોડલાઈન્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શ્રીરામ સોલ્ટ અને કિરણ ગ્રુપમાંથી 200 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા હતા. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા મીઠાના ધંધાર્થીમાં ફફડાટ ફેલાયો હતો.


ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ સહિત 22 થી વધુ સ્થળોએ આવકવેરાએ દરોડા પડ્યા હતા.  કિરણ ગ્રુપના દિનેશ ગુપ્તાને ત્યાં પણ મેગા સર્ચ કરવામાં આવ્યું હતું. મોડી રાત સુંધી આવક વિભાગના મેગા સર્ચમાં ૨૦૦ કરોડના બે નામી વ્યવહારો  મળી આવ્યા હતા. સવારથી જ અધિકારીઓની ટીમ ગાંધીધામ પહોંચી હતી. ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતા વધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કચ્છમાં  હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં ગાંધીધામનાં બે મોટા ઉદ્યોગપતિઓ તેમજ કચ્છમાં આવેલા અન્ય મીઠાના વેપારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. 


અગાઉ ખેડા, નડિયાદ અને આણંદમાં  આવકવેરા વિભાગે દરોડા પડ્યા હતા. જેમાં નડિયાદમાં મસાલાના વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા પડ્યા હતા. તેમજ આણંદમાં રાધે જ્વેલર્સમાં ITનાં દરોડા પડ્યા હતા. જેમાં મોટી માત્રામાં બેનામી વ્યવહારો મળ્યાની ચર્ચા હતી. નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સુરતના IT વિભાગે એશિયન ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. નારાયણ ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. 


કચ્છ જિલ્લાની ભુજ નગરપાલિકા વિવાદમાં આવી છે. એક તો બે વર્ષ બાદ ભરતી પરીક્ષા યોજાવાની હતી. જેને અચાનક રદ કરી દેવાતા ઉમેદવારો રોષે ભરાયા છે.  વર્ષ 2022માં ભુજ નગરપાલિકાએ આસિસ્ટન્ટ ઈજનેર સહિત અલગ-અલગ નવ જગ્યા માટે કાયમી ભરતી બહાર પાડી હતી. આ માટે 600 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.


આગામી ચાર ફેબ્રુઆરીએ પરીક્ષાનું આયોજન કરાયું હતું અને કોલ લેટર પણ જાહેર કરી દેવાયા હતા.  પરંતુ 30 જાન્યુઆરીએ મળેલી સામાન્ય સભામાં અચાનક પરીક્ષા રદ કરવાનો ઠરાવ કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


સમગ્ર મામલે કૉંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસ મહામંત્રી અંજલિ ગોર અનુસાર, મળતિયાઓને ગોઠવવા અંતિમ ઘડીએ પરીક્ષા રદ કરી દેવાઈ છે. નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન પટેલેને સવાલ પૂછાતા તેમણે ગોળ ગોળ જવાબો આપ્યા હતા.  તેઓ એક જ રટણ કરતા રહ્યા કે, કમિટીની રચના કર્યા બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે.