Banaskantha News: રાજ્યમાં દારૂબંધીની છૂટછાટ વચ્ચે બનાસકાંઠાના થરાદના પઠામડા ગામે દારૂબંધી માટે કડક બંધારણ બનાવવામાં આવ્યું છે. પઠામડા ગામના ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા દારૂ વેચનાર, દારૂ પીનાર અને યુવાનોને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં અને દંડ વસુલાશે તેવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં પ્રથમવાર થરાદ પંથકના પઠામડામાં ઠાકોર સમાજ અને ગ્રામજનોએ દારૂબંધીનો સામુહિક નિર્ણય લીધો છે. ગ્રામજનો દ્વારા દારૂબંધી માટે બંધારણ ઘડવામાં આવ્યું છે. દારૂ વેચનાર, દારૂ પીનાર અને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બંધારણ બનાવવામાં આવ્યું છે. બંધારણ મુજબ જો કોઈ વ્યક્તિ દારૂ વેચે તો પાંચ બોરી અનાજનું ધર્મદાન ગૌશાળામાં કરાવવામાં આવશે. જો વ્યક્તિ દારૂ પી અને તોફાન કરશે તેના દ્વારા બે બોરીનું ધર્મદાન કરાવામાં આવશે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ દારૂ વેચનાર અને પીનારને જાણે છે છતાં અજાણ બનવાની કોશિશ કરશે તેને એક બોરી અનાજનું ધર્મદાન કરાવામાં આવશે. સામૂહિક બંધારણ બનાવી નિર્ણય લેવામાં આવ્યો.
ગામના ઠાકોર સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા પઠામડા ગામે આવેલ નકળંગ ભગવાનના મંદિરે એકઠા થઈ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામ લોકોનું માનીએ તો આ નવી પહેલથી ગામમાં દારૂનું દુષણ તો ડામવામાં આવશે પરંતુ સાથે સાથે પગભર અને ખોટા લોકોનું દારૂના વ્યસનથી ઘરના ભંગાય તે માટે કડક નિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ તો આ નિર્ણયની ચારે કોર પ્રશંસા થઈ રહી છે અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.