Banaskantha : બનાસકાંઠામાં વધુ એક ડેમમાંથી પાણી છોડાશે.  મુક્તેશ્વર ડેમ 96% ભરાયો છે, આવતીકાલે 29 ઓગષ્ટે વહેલી સવારે 4:00 વાગે મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડાશે. ડેમ ભરાતા પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


મુક્તેશ્વર ડેમની કુલ સપાટી 661.58 ફૂટ, જેમાંથી હાલની સપાટી 660.50 ફૂટ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે  ડેમમાં નવા નીર આવ્યા હતા. મુકેતશ્વર ડેમમાંથી 200 ક્યુસેક જેટલું પાણી સરસ્વતી નદીમાં છોડાશે. 


બનાસ નદીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ 
દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા બનાસકાંઠામાંથી વહેતી બનાસ નદી બે કાંઠે વહી રહી છે. નદીના આ પાણીમાં ન્હાવા પડતા બે દિવસમાં 6 યુવકોના ડૂબી ગયા છે. 6  યુવાનો ડૂબી જવાની ઘટનાથી બનાસકાંઠાનું પ્રશાસન સફાળું જાગ્યું છે અને હવે આ અંગે મોટો નિર્ણય લીધો છે. 


બનાસકાંઠાના ડીસામાં મામલતદાર અને ડીસા તાલુકા વિકાસ અધિકારીએ બેઠક યોજી હતી. ગ્રામ્ય મામલતદાર કે.એચ તરાલ અને તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકી સહિત ડિઝાસ્ટરના અધિકારીઓએ ઓચિંતી બેઠક બોલાવી હતી. ડીસાના નદીકાંઠા વિસ્તારના ગામોના તલાટી અને સરપંચની બેઠક પણ બોલાવી હતી. 


આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર બનાસનદી બનાસકાંઠામાં જ્યાંથી પણ પસાર થાય છે, ત્યાં લોકોને નદીમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમામ ગ્રામ્યના વિસ્તારમાંથી વહેતી બનાસ નદીમાં ન જવા તંત્રએ અપીલ કરી છે.