Vadodara News : આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 (Gujarat Assembly Election 2022)ની વિધાનસભા ચૂંટણીને લઈ વડોદરા શહેરની તમામ 5 વિધાનસભા બેઠક પર વિજય મેળવવા કોંગ્રેસ પાર્ટી કમર કસી રહી છે. મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુ અને સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં વડોદરા કોંગ્રેસની  સંકલન અને કારોબારીની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન  ટીકીટ માટેના દાવેદારો પણ ઉત્સાહિત દેખાયા હતા. 


વડોદરા કોંગ્રેસની  સંકલન અને કારોબારીની મહત્વપૂર્ણ બેઠક મળી 
આજે 28 ઓગસ્ટે  વડોદરા કોંગ્રેસ ઓફિસ ખાતે સંકલન બેઠક મળી હતી. કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ, વડોદરા શહેર પ્રભારી પંકજ પટેલ અને સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં શહેરના સિનિયર નેતાઓ જોડાયા હતા.  4 સપ્ટેમ્બરે મોંઘવારીના વિરોધમાં ચલો દિલ્હીના કાર્યક્રમ સાથે 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીના અમદાવાદના પ્રવાસ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.


શહેરની તમામ 5  બેઠકો જીતવા કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી 
વડોદરા શહેરમાં 5 અને જિલ્લામાં 5 એમ કુલ 10 વિધાનસભા બેઠકો છે. જેમાંથી હાલ ફક્ત એક પાદરા બેઠક કોંગ્રેસ પાસે છે. હવે કોંગ્રેસે વડોદરા શહેરની તમામ 5 વિધાનસભા બેઠકો જીતવા માટે કમર કસી છે. 


15 સપ્ટેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે કોંગ્રેસ 
કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 (Gujarat Assembly Election 2022)ની વિધાનસભા ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.  15 સપ્ટેમ્બરે કોંગ્રેસ પક્ષ 20 થી 25 બેઠકો પરના ઉમેદવારના નામ જાહેર કરી શકે છે. જે બાદ તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. 


સયાજીગંજ બેઠક પર આ નેતાઓએ કરી દેવાદારી 
સયાજીગંજ વિધાનસભા બેઠકની વાત કરીએ તો કોર્પોરેશનના વોર્ડ-1 માં કોંગ્રેસના ચારે કાઉન્સિલર વિજેતા થયા હતા, જોકે વિપક્ષ નેતા અમી રાવતની સયાજીગંજ બેઠક માટે દાવેદારી મજબૂત થઈ રહી છે. 


તો તેમના જ વોર્ડના અન્ય કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પણ ટીકીટ માટે દાવેદારી નોંધાવી છે, જે છેલ્લી 4 ટર્મથી કોર્પોરેશનની ચૂંટણી જીતી રહ્યા છે.  અગાઉ તેમના પતિ રાજુભાઇ વાઘેલા વિજેતા બન્યા હતા. 


તો બે ટર્મથી કાઉન્સિલર તરીકે વિજેતા થયેલા જહાં ભરવાડે અને કાર્યકર એલડ્રિંન થોમસે પણ સયાજીગંજ વિધાનસભા બેઠક માટે  ટીકીટની દાવેદારી નોંધાવી છે.