Banaskantha News: રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ મહિનાઓથી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ સતત વધી રહ્યું છે. વૃદ્ધથી લઇને યુવાનોને હાર્ટ એટેક આવવાની ફરિયાદોની વચ્ચે હવે નાના છોકરાઓના પણ હાર્ટે એટેકથી મોત થવા લાગ્યા છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠામાં એક 17 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. 


મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠામાં હાર્ટ એટેકથી મોત થયાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આ મામલો નોંધાયો છે. અહીં ધાનેરા શહેરમાં એક 17 વર્ષીય યુવાનને ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો, ગયા રવિવારે ધાનેરાના આશાસ્પદ યુવાન વિપુલને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, બાદમાં તેને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં આજે તેનું મોત થઇ ગયુ હતુ. વિપુલના મોતના સમાચારની સાથે જ પરિવાર અને ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ..


હાર્ટ એટેકના વધતા કેસો વચ્ચે સરકાર 77 હજારથી વધુ શિક્ષકોને આપશે CPR તાલીમ


રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય CPR તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તારીખ ૩જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં ૮૮ હજારથી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આવતી કાલે તા. ૧૭ ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમ યોજાશે જેમાં ૭૭ હજાર શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતેથી બીજા તબક્કાની CPR તાલીમનો શુભારંભ કરાવશે. 


શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત શાળાઓ મળીને કે.જી થી પી.જી સુધીના ૨ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવાનું જે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતી કાલે બીજા તબક્કામાં ૭૭,૪૬૫ શિક્ષકોને તાલીમ અપાશે. તેની સાથે આવતી કાલની તાલીમના અંતે રાજ્યના ૧.૬૦ લાખ શિક્ષકો CPR તાલીમબદ્ધ થઈ જશે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.


આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે. જેમાં ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે. આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૬.૦૦ કલાક સુધી યોજાશે જેમાં ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પુર્ણ થયા બાદ તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કરાશે. 


CPR વિષે નાગરિકો વધુ જાણકાર થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, ત્યારબાદ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. હવે ત્રીજા તબક્કામાં ૩૧ ડિસેમ્બરે બાકી રહેલા શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. શિક્ષકો બાદ એન.એસ.એસ. અને એસ.સી.સી કેડેટ્સને તાલીમબદ્ધ કરવાનુ પણ આયોજન છે.