BANASKANTHA : રાજ્યમાં આદિવાસી વિસ્તારના બાળકોમાં કુપોષણ દૂર થાય અને તેઓ સુપોષિત થાય તે હેતુથી સરકારે દૂધ સંજીવની યોજના શરૂ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાતા તાલુકામાં દૂધ સંજીવની યોજનાનો લાભ આદિવાસી બાળકોને મળે છે સાથે સાથે ટ્રાયબલ ન હોય એવા તાલુકાઓને પણ દૂધ સંજીવનીનો લાભ મળે છે. પરંતુ પાલનપુર અને વડગામ તાલુકાની શાળાઓના આદિવાસી બાળકોને હજી સુધી દૂધ સંજીવની યોજના નો લાભ મળ્યો નથી.
પાલનપુરના 300 આદિવાસી બાળકો યોજનાથી વંચિત
પાલનપુર તાલુકાના છાપરા ગામની પ્રાથમિક શાળાના બાળકો સરકાર પાસે દૂધની માગણી કરી રહ્યા છે છાપરા ગામની પ્રાથમિક શાળામાં 300 જેટલા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. છાપરા ગામ એ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે, પરંતુ છેલ્લા સાત વર્ષથી આ બાળકોની ઉપેક્ષા થઈ રહી છે અને દૂધ સંજીવની યોજનાનો લાભ મળતો નથી.
વડગામના 240 આદિવાસી બાળકો યોજનાથી વંચિત
વડગામ તાલુકાના મોતીપુરા ગામે પણ 240 જેટલા આદિવાસી બાળકો છે તેમને પણ દૂધ સંજીવની યોજનાનો લાભ મળ્યો નથી બાળકોનું કહેવું છે કે અન્ય તાલુકાઓ અને અન્ય શાળાઓમાં દૂધ મળે છે તો અમને કેમ નથી મળતું
બે કિલોમીટરના અંતરે આવેલીમાં યોજનાનો લાભ મળે છે
છાપરા ગામની પ્રાથમિક શાળાથી બે કિલોમીટરના અંતરે આવેલી શાળામાં દૂધ સંજીવની યોજનાનો લાભ મળે છે જ્યારે મોતીપુરા ગામથી પણ 2 કિલોમીટરની અંતરે આવેલી શાળાના બાળકો દૂધ સંજીવનીનું દૂધ પીવે છે.
આચાર્ય અને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત
છેલ્લા સાત વર્ષથી છાપરા અને મોતીપુરા પ્રાથમિક શાળાના 500 બાળકોની ઉપેક્ષા થાય છે. ગ્રામજનો સહિત શાળાના આચાર્ય દ્વારા પણ વારંવાર દૂધ સંજીવની યોજના નો લાભ મોતીપુરા અને છાપરા ગામની શાળાને મળે તેવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ 500 જેટલા બાળકોને દૂધ સંજીવની નો લાભ આપવા કયો ગ્રહ નડે છે એ તો સરકાર જ જાણે.