ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ઈતિહાસ રચાયો હતો. ગુજરાત વિધાનસભામાં આજે યુવા મોડલ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ આજે વિધાનસભાનું સંચાલન કરશે. આ સત્રમાં નિમાબેન આચાર્ય અધ્યક્ષ રહેશે અને યુવાનો મુખ્યમંત્રી, વિપક્ષના નેતા તેમજ ધારાસભ્યો બનશે.
આ કાર્યક્રમમાં પ્રશ્નોતરી, સરકારી વિધેયક, બજેટ અને સંકલ્પો જેવી સંસદીય કાર્યરીતિની બાબતોનો સમાવેશ કરાયો છે. ગુજરાત વિધાનસભાના અધિકારીઓએ ગાંધીનગરની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ અને રાજ્યની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની પસંદગી સ્કૂલ પોસ્ટ સંસ્થાએ ઈંટરવ્યૂ લઈને કરવામાં આવી છે.
અમદાવાદનો રોહન રાવલ એક દિવસનો મુખ્યમંત્રી બન્યો હતો. રોહન રાવલ ઝાયડસ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપીને તેની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. વિપક્ષ નેતા ગૌતમ દવેને બનાવવામાં આવ્યા છે.
આ સિવાય વિધાનસભામાં અમદાવાદના 63, રાજકોટના 39, ગાંધીનગરના 21, સુરતના 16, વડોદરાના 14, કચ્છના દસ, અમરેલીના સાત, ગોંડલના પાંચ અને જામનગરના ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા, આણંદ અને નડિયાદના એક એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે.