સાબરકાંઠાના વડાલી, વિજયનગર, પોશીના સહિતના વિસ્તારોમાં અચાનક વહેલી સવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.
બનાસકાંઠામાં વહેલી સવારે કમોસમી વરસાદી છાંટા પડ્યાં હતાં. જેના કારણે વાદળ છાયા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હજુ આગામી બે દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો થતાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી.
વહેલી સવારે ભિલોડા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. મોડાસા સહિત જિલ્લામાં ભારે પવન પણ ફૂંકાયા હતાં. અંબાજીમાં વહેલી સવારે ચાર વાગ્યે ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા હતાં. ગઇકાલે વાતાવરણમાં ઉકળાટ અનુભવાતો હતો.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3થી 4 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે તેની કોઈ જ સંભાવના નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી, સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છમાં આગામી બે દિવસ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. આ વરસાદની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. શુક્રવારે વલસાડ અને કચ્છના કેટલાક વિસ્તારમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો.