ગાંધીનગરઃ કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લઈને હવે લગ્ન સમારંભમાં 200 લોકોને હાજર રાખવા છૂટ આપી છે. આ છૂટછાટનો આજે એટલે કે 3 નવેમ્બર, 2020થી રાજ્યભરમાં અમલ શરૂ થઈ ગયો છે પણ રૂપાણી સરકારે લગ્નોમાં કોઈ પણ પ્રકારની ધામધૂમ કરવાની છૂટ નથી આપી. રૂપાણી સરકારે સ્પષ્ટતા કરી છે કે, લગ્ન પ્રસંગ, સત્કાર સમારોહમાં વિવિધ ધાર્મિક વિધિઓ વખતે ઢોલ- શરણાઈ કે ડી.જે. વગાડી શકાશે નહીં. બેન્ડવાજાં સાથે વરઘોડો કાઢવા પર પ્રતિબંધ યથાવત છે તેથી લગ્નોમાં કોઈ ધામધૂમ નહી કરી શકાય.


ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક સચિવ કે.કે. નિરાલાની સહીથી સોમવારે પ્રસિધ્ધ જાહેરનામામાં ભારત સરકારે 30 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેર કરેલી અનલોક 5 અંગેની ગાઈલાઈનને 30 નવેમ્બર 2020 સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરનામામાં 9 ઓક્ટોબરે લગ્ન, સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે ગૃહ વિભાગે કરેલા હુકમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અનુસાર કોવિડ-19ની મહામારી સંદર્ભે અગાઉ જાહેર થયેલી ફરજિયાત માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગનથી તાપમાન સહિતની આરોગ્ય ચકાસણી જેવી શરતોને આધિન ખુલ્લા અને બંધ સ્થળે હાજર રહેનારા લોકોન સંખ્યા અંગે છૂટ આપવામાં આવી છે. આ ચૂટ પ્રમાણે ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં પણ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ- પ્રસંગનું આયોજન કરી શકાશે. આ શરત અનુસાર સમારોહ સ્થળ ઓછામાં ઓછા 400 વ્યક્તિઓની મર્યાદાનું હોય તો જ 200 મહેમાનો સાથે પ્રસંગની ઉજવણી કરવા મંજૂરી મળી શકશે.

આ પ્રસંગો ઢોલ- શરણાઈ કે ડીજે પાર્ટી અને બેન્ડવાજાં વગાડીને ધામધૂમથી થઈ શકશે નહીં. કોરોનાને કારણે હજુ પણ સાદાઈથી જ પ્રસંગો પાર પાડવા પડશે.