Bardoli AAP Candidate Rajendra solanki: ગઈકાલે સુરતના બારડોલી ખાતે કારનો કાચ તોડીને થયેલી 20 લાખ રુપિયાની રોકડની ચિલઝડપની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. આ કાર આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર સોલંકીની હોવાનું ખુલ્યું છે. મહત્વનું છે કે, આ 20 લાખ રુપિયાની ચિલઝડપ મામલે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ બારડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી હતી.
20 લાખ રુપિયાની રકમની લૂંટની તપાસ કરી રહેલી પોલીસે આ અંગે ઈન્કમટેક્ષ વિભાગને (IT) જાણ કરી હતી. મળતી માહિતી મુજબ આ લૂંટ થયેલા 20 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીની દિલ્હી કચેરીથી આંગડિયામાં આવ્યા હતા.
ઈન્કમટેક્ષ વિભાગે શરુ કરી તપાસઃ
બારડોલી ખાતે ઇન્કમટેક્સ વિભાગે ધામાં નાખી રાજેન્દ્ર સોલંકી અને તેમના ડ્રાઈવરની સઘન પૂછપરછ ચાલુ કરી છે. ચૂંટણીમાં વાપરવા માટે નાણાં આવેલ હોવાની માહિતી મળી છે. આ સાથે અગાઉ પણ દિલ્હીથી આંગડિયા મારફતે માતબર રકમ આવેલ હોવાનુ ખૂલ્યું છે. હાલ આ મામલે ઈન્કમટેક્ષ વિભાગ સહિત પોલીસ તપાસ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ કારમાં રાજેન્દ્ર સોલંકી સાથેનો ડ્રાયવર આમ આદમી પાર્ટી બિહારનો કાર્યકર છે.
સુરત SPએ આપી માહિતીઃ
સુરત જિલ્લા પોલીસ વડા હિતેષ જોયશરે જણાવ્યું કે, આટલી મોટી રકમ આમ આદમી પાર્ટીના નેતાની છે જે આંગડિયા મારફતે બારડોલી આવી હતી. ફરિયાદના આધારે IT વિભાગને જાણ કરી તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે તપાસ જિલ્લા SOGને સોંપવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રીએ આપ્યું નિવેદનઃ
આ લૂંટ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પુછવામાં આવતાં તેમણે કહ્યું કે, રોકડા ક્યાંથી આવ્યા એ સવાલ મને નહી એમને પૂછો કે આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા. નામ લીધા વગર રાજેન્દ્ર સોલંકી અને આપ પર પ્રહાર કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, ટેક્ષ ભરતા નથી અને રૂપિયા દિલ્હી થી કેમ આવ્યા?. શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યા હતા.
આ પણ વાંચો....