Gopal Italia: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક ટિપ્પણી મામલે ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે આજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. જ્યાં ગોપાલ ઈટાલિયા હાજર થયા બાદ દિલ્હી પોલીસે ઈટાલિયાની અટકાય કરી હતી. મહિલા આયોગે આક્ષેપ કર્યો હતો કે, ગોપાલ ઇટાલિયા પૂછપરછમાં સહયોગ નથી આપી રહ્યા. જે બાદ પોલીસે ઈટાલિયાની અટકાયત કરી હતી. જોકે લગભગ 3 કલાક બાદ ઈટાલિયાને છોડી મુકવામાં આવ્યા હતા. 


અરવિંદ કેજરીવાલે શું કહ્યું?


ગોપાલ ઈટિલાયાને દિલ્હી પોલીસે છોડ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું, "ગુજરાતની જનતાના ભારે દબાણને કારણે તેમણે ગોપાલ ઈટાલિયાને છોડવા પડ્યા છે. આ ગુજરાતના લોકોની જીત થઈ છે." જણાવી દઈએ કે ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)માં બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ દિલ્હીમાં NCW ઓફિસ પહોંચ્યા હતા. અહીંથી તેમને દિલ્હી પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતા અને ત્યારબાદ લગભગ 3 કલાક બાદ પોલીસે ઈટાલિયાને છોડ્યા હતા.






આ પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ગોપાલ ઈટાલિયાની અટકાયતનો જોરદાર વિરોધ કર્યો હતો અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ ગુજરાતની અંદર પાટીદાર સમાજ વિરુદ્ધ નફરતથી ભરેલો છે. આ પહેલીવાર નથી, જ્યારે પણ ભાજપને તક મળી ત્યારે તેમને જેલમાં ધકેલી દેવાનો અને ગોળી મારવાનો ઈતિહાસ છે. AAP નેતાએ કહ્યું કે હારથી ભાજપને આઘાત લાગ્યો છે, તેથી તે તેમની સામે નવો વીડિયો લાવે છે. જેથી તેમની ધરપકડ કરી હતી.


ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?


ગોપાલ ઈટાલિયાએ છૂટ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, હું પાટીદાર છું એટલા માટે હેરાન કરવામાં આવે છે. મેં કોઈ ગુનો કર્યો જ નથી તો શા માટે મારી અટકાયત કરવામાં આવી. મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બેસાડી રાખવામાં આવ્યો. હું પાટીદાર સમાજનો યુવાન છું એટલે મારી અટકાયત થઈ. BJP પાર્ટી પાટીદારો સાથે નફરત કરે છે કારણ કે, પાટીદારો ભાજપથી નારાજ છે.