Gujarat Morbi Bridge Collapse: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે મોરબીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદી મચ્છુ નદીના કિનારે પણ ગયા હતા જ્યાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જો કે, પીએમ મોદી મોરબી પહોંચે તે પહેલાં સમગ્ર વિસ્તારની કાયાપલટ થઈ ગઈ હતી. મોરબી સિવિલ હોસ્પિટલની સાથે દુર્ઘટના સ્થળ પર પણ ખાસ બદલાવ જોવા મળ્યો હતો.


ઓરેવા કંપનીનું બોર્ડ છુપાવાયુંઃ


પીએમ મોદી ઝૂલતો પુલ તુટ્યો તે જગ્યાએ મુલાકાત કરે તે પહેલાં આ પુલનું સમારકામ કરનાર ઓરેવા કંપનીનું નામ છુપાવામાં આવ્યું હતું. પુલ પર જ્યાં પીએમ મોદીએથી સ્થળ નિરિક્ષણ કર્યું હતું તે જગ્યાએ ઓરેવા કંપનીનું બોર્ડ લાગેલું હતું. જો કે, પીએમ મોદીએ આવે તે પહેલાં ઓરેવા કંપનીના બોર્ડને સફેદ ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું હતું. પીએમ મોદીની મુલાકાત પહેલાં આયોજનબદ્ધ રીતે આ સફેદ કપડું કંપનીના બોર્ડ પર મુકી દેવામાં આવ્યું હતું.


સિવિલ હોસ્પિટલની પણ કાયાપલટ કરાઈઃ


સાથે જ જે હોસ્પિટલમાં અકસ્માતમાં ઘાયલ લોકોને દાખલ કરવામાં આવ્યા છે તે હોસ્પીટલમાં કલર કરીને કલર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલની ચાદર અને બેડ પણ બદલવામાં આવ્યા હતા. મંગળવારે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. 


વિપક્ષે પીએમ મોદીના સ્થળ પર પહોંચતા પહેલા કરવામાં આવેલી આ તૈયારીઓને 'ઇવેન્ટ મેનેજમેન્ટ' ગણાવી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બે દાયકાથી વધુ સમયથી સત્તા સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું છે કે, તમે એનઓસી મેળવ્યા વિના સમય પહેલા બ્રિજ કેવી રીતે ખુલ્લો મુક્યો?


બ્રિજ સમય પહેલાં ખોલી દેવામાં આવ્યો હતો


આ બ્રિજનું રિપેરિંગ કામ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યું હતું, જેણે છેલ્લા સાત મહિના દરમિયાન તેના રિનોવેશનનું કામ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન કંપનીએ બ્રિજના કેટલાક જૂના કેબલ બદલ્યા ન હતા. આ પુલ માર્ચ મહિનાથી રિનોવેશન માટે બંધ હતો. આ પુલ ગયા અઠવાડિયે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જ્યારે તેનો સમય હજુ પૂરો થયો નથી. આ દરમિયાન આ બ્રિજની ટિકિટ જે 12 રૂપિયા હતી તે 17 રૂપિયા સુધી વેચાઈ હતી. પુલ પર તેની રેટ કરેલ ક્ષમતા કરતાં વધુ લોકોને મંજૂરી આપવામાં આવી હતી. આ કારણોસર, બ્રિજ માત્ર 4 દિવસમાં તૂટી ગયો.