Gujarat Morbi Bridge Collapse: મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ પોલીસે કેસ નોંધીને સોમવારે 9 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસે પણ આ મામલાની તપાસ કરવા માટે SITની રચના કરી છે.


પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં બ્રિજ મેનેજર, 2 કોન્ટ્રાક્ટર, 3 ગાર્ડ, 3 ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ દરમિયાન મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ લઈને તેમને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યા હતા. જો કે કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી નથી.


કંપનીના માલિકનું નામ FIRમાં નથી


ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પટેલનું નામ પણ પોલીસ એફઆઈઆરમાં નથી. કંપનીએ આ બ્રિજ માટે નગરપાલિકા પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવ્યું ન હતું. બ્રિજ પણ સમય પહેલાં ખોલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે બ્રિજ પર લોકોની સંખ્યા પણ વધુ હતી. આવી સ્થિતિમાં વિપક્ષ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું સરકાર મોરબી અકસ્માતમાં કોઈને બચાવી રહી છે?


સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો


આ અકસ્માત અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સવાલ કર્યો હતો કે, મોરબી બ્રિજનો અકસ્માત 'એક્ટ ઓફ ગોડ' છે કે 'એક્ટ ઓફ ફ્રોડ'? તેમજ તેમણે કહ્યું કે, 6 મહિનાથી પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. કેટલામાં પડ્યું? 5 દિવસમાં પુલ તૂટી પડ્યો. 27 વર્ષથી ભાજપની સરકાર છે, શું આ તમારું વિકાસ મોડલ છે?


કોંગ્રેસે ન્યાયિક તપાસની માંગ કરી 


કોંગ્રેસે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.


જણાવી દઈએ કે, મોરબી મહાનગરપાલિકાએ આ પુલના સમારકામનું કામ ઘડિયાળો અને ઈ-બાઈક બનાવતી કંપની ઓરેવા ગ્રુપને સોંપ્યું હતું. સમારકામ બાદ 26 ઓક્ટોબરે જ્યારે બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો ત્યારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે જણાવ્યું હતું કે તેમની કંપનીએ સમારકામ પાછળ 2 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે આ બ્રિજ 8 થી 10 વર્ષ સુધી આરામથી ચાલશે.