અમદાવાદ: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આવતીકાલે મંગળવારે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનને ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. 8 ડિસેમ્બરે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. રીક્ષા ચાલક સંગઠનો પૈકીના રીક્ષા ચાલક એકતા યુનિયન સ્વંયભુ બંધ રાખવા નિર્ણય લીધો છે. યુનિયને 1700 રીક્ષા ચાલકોને ખેડૂતોના સમર્થનમાં સ્વંયભુ બંધ પાળવા અપીલ કરી હતી.


આવતીકાલે ભારત બંધના એલાનને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે ગુજરાતમાં તમામ ગતિવિધીઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે બંધના એલાનમાં કૉંગ્રેસને ક્યાંય પણ ખેડૂતોનો ટેકો નહીં મળે..ગુજરાતમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રહેશે. તો બળજબરીથી બંધ કરાવનારા આંદોલનકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આવતીકાલે ભારત બંધની અસર GSRTC બસોના સંચાલનને નહીં થાય. GSRTC બસોનું સંચાલન મંગળવારે યથાવત રહેશે. એસટી નિગમ રાજ્યના તમામ જિલ્લાનું બસ સંચાલન કરશે.

જો કે, બીજી તરફ આવતીકાલે ભારત બંધમાં અમદાવાદ APMC અને પેટ્રોલ પંપ એસોસિયેશન નહી જોડાય. ખેડૂતોના સમર્થનમાં ભારત બંધના એલાનમાં અમદાવાદ APMC જોડાશે નહીં. જમાલપુર APMC ચાલુ રાખવામાં આવશે. તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. હાઈવે પરથી પસાર થતા ટ્રક માટેના રૂટ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

ભારત બંધના એલાનને મહેસાણાની એક પણ APMCનું સમર્થન નથી. ઊંઝા, મહેસાણા, ખેરાલુ, વિજાપુર સહિત કડી APMC આવતીકાલે ચાલુ રહેશે. તમામ વેપારીઓ ખેડૂતોના માલની ખરીદી કરશે. ખેડૂતોના હિતમાં મહેસાણાની APMC ચાલુ રાખવામાં આવશે.

કોંગ્રેસ ખેડૂત આંદોલનના સમર્થનમાં આવતીકાલે તમામ APMC બંધ કરાવશે. કૉંગ્રેસ APMC બંધ કરાવ્યા બાદ બજારો પણ બંધ કરાવશે. ધારાસભ્યોની મિટિંગમાં પ્રમુખ અમિત ચાવડાએ આ સૂચના આપી છે. અમિત ચાવડાએ કૉંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરોને કોઈ પણ ઘર્ષણમાં ન ઉતરવાની પણ કડક સૂચના આપી છે.