Bharuch  : ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં નર્મદા નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવી છે અને નદી બે કાંઠે વહી રહી છે ત્યારે પૂરના પાણી નર્મદા કાંઠે આવેલા ગામના ખેતરમાં ફરી વળ્યા છે.


ત્રણ ગામમાં નદીના પાણી ખેતરોમાં ઘુસ્યા 
નર્મદા નદીના કિનારે આવેલ બોરભાઠા,કાંસિયા અને જૂના કાંસિયા ગામના ખેતરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે જેના પગલે ખેડૂતોના ઊભા પાકને નુકશાન થઈ રહ્યું છે. નર્મદા કાંઠે આવેલ ફળદ્રૂપ જમીનમાં ખેડૂતો શાકભાજીનું વાવેતર કરે છે પરંતુ પુરના પાણીએ શાકભાજીના પાકનો જાણે દાટ વાળી દીધો છે. લગભગ 37 હેક્ટર જેટલી જમીનમાં શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે જેમાં કારેલાં પરવર,ગલકા અને દૂધી સહિતનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શાકભાજીનો પાક નષ્ટ થતાં ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. 


ખેતરોમાં માછલીઓ ફરી રહી છે 
જે ખેતરમાંથી શાકભાજીનો પાક લઈ જીવન નિર્વાહ કરવામાં આવતું હતું એ જ ખેતરમાં ખેડૂતો માછલી પકડી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ છે, આમ છતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાયતા નથી કરવામાં આવી નથી અને આવી વિકટ પરિસ્થિતિમાં કોઈ મુલાકાત લેવા પણ નથી આવ્યું. 


ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ 870થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે


મધ્ય પ્રદેશમાં અવિરત વરસાદને પગલે ઇન્દિરાસાગર ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણીની સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેને પગલે નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ 5.45 લાખથી વધુ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું  હતું.


આજરોજ ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.ગતરોજ રાતે નદીની સપાટી વોર્નિંગ લેવલથી બે ફૂટ ઉપર વધી હતી ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે નદીની સપાટી વધીને 26 ફૂટ ઉપરથી વધુ પહોંચી છે.