Bharuch : ગુજરાતના રાજકારણમાં આજે નવું સમીકરણ રચાવા  જઈ રહ્યું છે. આજે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનું છે. આજે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આ ગઠબંધનની જાહેરાત સમયે ઉપપસ્થિત રહેશે. ભરૂચના ચંદેરીયામાં છોટુ વસાવાએ આદિવાસી સંમેલન બોલાવ્યું છે. આ સંમેલનમાં AAP-BTP ગઠબંધન થવાનું છે. આ ગઠબંધન વિષે ભરૂચના સાંસદ અને ભાજપના મોટા નેતા માન્સુકગ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. 


હનીમૂન પહેલાં જ AAP-BTPનું ગઠબંધન તૂટશે :  મનસુખ વસાવા 
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે AAP-BTPનું ગઠબંધન હનીમૂન પહેલા જ તૂટી જશે. એટલે કે એમનું કહેવું છે કે જેમ કમેળ લગ્નમાં હનીમૂન પહેલા જ છુટાછેડા થઇ જાય એમ જ AAP-BTP ગઠબંધનનું થવાનું છે. 


મનસુખ વસાવાએ આ નિવેદન પાછળનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે BTPના છોટુ વસાવા કાચીંડાની જેમ રંગ બદલે છે. તેમણે કહ્યું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી દરેક વખતે BTP  કોઈ ને કોઈ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન કર્યા કરે છે. જયારે ચૂંટણી આવે ત્યારે BTP કાચીંડાની જેમ અલગ અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે. 


તેમણે કહ્યું કે BTPએ  પહેલા જનતા દળ યુનાઇટેડ સાથે, ત્યારબાદ કોંગ્રેસ સાથે,  પછી ઓવેસી સાથે અને હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી રહી  છે. BTP સ્વાર્થી પાર્ટી છે પોતાના સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટી  સાથે પણ ગઠબંધન કર્યું હતું. ગુજરાતની જનતાએ ક્યારેય પ્રાદેશિક પાર્ટીને સ્વીકારી નથી. ગુજરાતનો આદિવાસી ભાજપની સાથે જ છે અને ભાજપના વિકાસ સાથે જોડાયેલો છે. 


મનસુખ વસાવાએ પાણીના પરબનું લોકાર્પણ કર્યું 
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આજે રાજપીપળા શહેરમાં પ્રખ્યાત હરસિદ્ધિ માતાના મંદિરની સામે રાજપીપળા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઠંડા પાણીના પરબનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમને AAP-BTPના ગઠબંધન અંગે આ નિવેદન આપ્યું હતું.