Utkarsh Samaroh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભરુચના અંકલેશ્વરમાં યોજાઈ રહેલા 'ઉત્કર્ષ સમારોહ'માં વર્ચ્યુલી હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ હેઠળ રાજ્ય સરકારની 4 યોજનાઓનો લાભ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને પીએમ મોદીએ આ લાભોનું વિતરણ કર્યું હતું.
કાર્યક્રમની શરુઆતમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આજનો કાર્યક્રમ આ વાતનું પ્રમાણ છે કે, અમારી સરકાર ઈમાનદાર અને એક સંકલ્પ લઈને લાભાર્થી સુધી પહોંચવાવાળી સરકાર છે. પીએમ મોદીએ કહ્યું કે, ભરુચ જિલ્લા વહિવટી તંત્રને અને ગુજરાત સરકારને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલી 4 યોજનાઓ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે હું અભિનંદન આપું છું.
ભાવુક થઈ ગયા પ્રધાનમંત્રીઃ
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ એક લાભાર્થી સાથે વાતચીત કરતાં ભાવુક થઈ ગયા હતા. અયૂબ પટેલ નામના લાભાર્થીએ પીએમ મોદી સાથે વાત કરતાં કહ્યું કે, તેઓ પોતાની બંને દિકરીઓને ડોક્ટર બનાવવા માંગે છે અને દિકરીઓને ડોક્ટર બનાવવું તેનું સપનું છે. અયૂબ પટેલની આ વાત સાંભળીને પીએમ મોદી ભાવુક થયા હતા. પીએમ મોદીએ આયૂબ પટેલને કહ્યું કે, પોતાની દિકરીઓના સપનાને પુરું કરવા માટે જો તમને કોઈ મદદની જરુર પડે તો મને જણાવજો.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ આજે સવારે 10.30 વાગ્યે શરુ થયો હતો. આ કાર્યક્રમમાં 4 સરકારી યોજનાઓ ગંગા સ્વરૂપા બહેનોને નાણાકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાનાને 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડીને ભરુચ જિલ્લા તંત્રએ મહત્વનું ઉદાહરણ પુરું પાડ્યું છે. આ 4 યોજનાઓ હેઠળ કુલ 13 હજાર લાભાર્થીઓને લાભ મળશે.