ભરૂચ જિલ્લાનું વાલિયા જ્યાં આભ ફાટ્યું હતું. મોડી રાત્રે વરસાદ વરસવાનું શરૂ થયું અને આજે સવાર સુધી વરસાદ વરસતો રહ્યો. 18 ઈંચ વરસાદ વરસતા વાલિયા જળબંબાકાર થયું હતું. જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા હતા. વાલિયા તાલુકાના ગામો બેટમાં ફેરવાયા હતા. ગામને જોડતા માર્ગો જ પાણીમાં ડૂબી જતાં ગામ સંપર્કવિહોણા બન્યા હતા. ભરૂચ શહેર સહિત નેત્રંગ, અંકલેશ્વર સહિતના તાલુકા જળબંબાકાર થયા હતા.
વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ચારે તરફ કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. ડહેલી ગામના કાછોટા ફળિયામાં પાણી ભરાતા 87 લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડહેલી ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. વાલિયામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર લઈ જવાનો પ્રયાસ કરનાર 2 ઈકો કારના ચાલક ફસાયા હતા. ટ્રેક્ટરની મદદથી બંને કારને બહાર કાઢવામાં આવી હતા.
વાલિયા-માંગરોળને જોડતા માર્ગ પર ટોકરી નદીના પાણી ફરી વળ્યા હતા. મેરા ગામ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક પલટી ગઈ હતા. સદનસીબે ટ્રકચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. વાલિયાના સોડ ગામના આદિવાસી ફળિયામાં પાણી ભરાયા હતા. કીમ નદીના ધસમસતા પાણી ગામમાં ફરી વળ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદની કરાઈ છે આગાહી
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના ભાગરુપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે. જ્યારે સૌરાષ્ટ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે.
આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આવતીકાલે બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી